~ અસ્વસ્થ જીવનશૈલી થકી થાઈરોઈડનું વધતું પ્રમાણ
વર્તમાન સમયમાં રોજિંદી શારીરિક પ્રક્રિયા અને ખાનપાન તેમજ બીજા અનેક કારણસર થાઇરોઇડનું પ્રમાણ પણ વધુ જોવા મળતું હોવાનું જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના મેડીસીન વિભાગે સંકેત આપ્યો હતો.તબીબોએ એમ પણ કહ્યું કે, હાલના સંજોગોમાં ગર્ભવતી મહિલામાં પણ આ રોગ વધુ દેખાય છે.
જી.કે. જન.ના મેડીસીન વિભાગના એસો.પ્રોફે.ડૉ.યેશા ચૌહાણે કહ્યું કે, આ રોગ થાઈરોઈડ ગ્રંથી સાથે જોડાયેલો છે.જે ગાળામાં શ્વાસનળી ઉપર પતંગિયા આકારની ગ્રંથી હોય છે, જે શરીરની સૌથી મોટી આંતરસ્ત્રાવી ગ્રંથી છે, જેમાં ગરબડી ઊભી થાય તો આ રોગ થાય છે.
આ રોગ થવાના કારણો અંગે તબીબે જણાવ્યું કે, અસ્વસ્થ જીવનશૈલી, આયોડિનની કમી, વધુ પડતી ચિંતા, વારસાગત, મોડે સુધી જાગવું, ડાયાબિટીસ તેમજ ખોરાકમાં મેંદો લેવાતો હોવાનું પણ કારણભૂત છે.
જો થાઈરોઈડ થાય તો દર્દીમાં કેવા લક્ષણો જણાય, તે અંગે તેમણે જણાવ્યું કે થાઈરોઈડ બે પ્રકારના હોય છે. એક હાયપરથાઈરોઈડ અને હાઇપોથાઈરાઇડ્સ જોવા મળે છે. હાઇપરથાઈરોઈડમાં ઓછી ઊંઘ, વજન ઓછું થવું, ગભરામણ, વધુ તરસ લાગવી અને શ્વાસ ચડતો જોવા મળે છે.જ્યારે બીજા પ્રકારમાં વજન વધવું, વાળ ઉતરવા, ચામડી સૂકી કે રુક્ષ થવી અને શ્વાસની ફરિયાદ રહે છે.
લેવાની થતી સંભાળ અંગે ડો.યેશા ચૌહાણે જણાવ્યું કે, નિયમિત ઊંઘ લેવી, અતિ મસાલાવાળી વસ્તુઓ ખાવી નહીં, ચાય કોફી ઓછા કરવા, ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવું, ખાંડ ભાત, તળેલી ચીજ વસ્તુથી પરેજી કરવી અને ખાસ કરીને નિયમિત ચકાસણી કરવી જરૂરી છે.જીવનશૈલી બદલવામાં આવે તો નિયમન કરી શકાય છે.
