ગાંધીધામ પાલિકાના મહિલા પ્રમુખ પર સ્યાહીથી હુમલો

~ વોર્ડ 12માં વિકાસકામ કરાતા ન હોવાના આક્ષેપ સાથે અજાણ્યા શખ્સનું કૃત્ય

~ ટાઉનહોલ ખાતે સામાન્ય સભા પહેલાં જ સ્યાહી ફેંકાતા પોલીસ બંદોબસ્તમાં સભા યોજવામાં આવી

ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી પર સ્યાહી ફેંકી મોઢુ કાળુ કરાતા ચકચાર જાગી હતી. આજરોજ નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન મહિલા પ્રમુખનો વિરોધ કરવામાં આવ્યો હતો. સવારે ૧૧ વાગ્યે પાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉપસ્થિત રહેવા પાલિકા પ્રમુખ ઈશિતાબેન હાજર રહેવા ટાઉનહોલ પાસે પહોંચ્યા ત્યારે જ વોર્ડ નં. ૧૨ના રહેવાસીઓ અને કોંગ્રેસના નગરસેવકોએ તેમને અટકાવ્યા હતા અને તેમાંથી કોઈ અજાણ્યા ઈસમે શાહી ફેંકી હતી. 

પ્રમુખ સમક્ષ વોર્ડ નં. ૧૨ના વિકાસ કામો બાબતે રજુઆતો કરાતી હતી, બરાબર તે જ સમયે આ ઘટના ઘટી હતી. કોઈએ તેમના પર સ્યાહી ફેંકી મોઢુ કાળુ કરી વિરોધ દર્શાવાયો હતો. બીજીતરફ મહિલા પ્રમુખે આરોપ મુકયો હતો કે, આ કોંગ્રેસના લોકોનો કામ છે, આજે સ્યાહી  ફેંકી છે, આવતીકાલે તેઓ તેજાબ પણ ફેંકી શકે છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સામાન્ય સભા શરૂ કરવાના પ્રયાસો વચ્ચે પોલીસને સાથે રાખીને સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિકાસના કામોના ઠરાવો કરવામાં આવ્યા હતા. 

દરમિયાન, કોંગી આગેવાનોએ પ્રત્યુતરમાં કહ્યું હતુ કે, આમાં કોંગ્રેસનો કોઈ હાથ નથી, બહુમતિ ધરાવતા ભાજપના શાસકો પોતાના જ વિસ્તારમાં કામો કરી રહ્યા છે. ભાજપના જ શાસક પક્ષમાં આંતરિક ડખ્ખા છે. થોડા સમય પહેલા ભાજપના જ સભ્યોએ નગરપાલિકામાં મોરચો માંડયો હતો અને મહિલા પ્રમુખ સામે નારાજગી વ્યકત કરી હતી. ત્યારે, આજની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી.

આ ઘટનાને પગલે ગાંધીધામ નગરપાલિકા ફરી વિવાદમાં આવી ગઈ છે. નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોવાના આક્ષેપ સાથે મહિલા પ્રમુખનું મોઢું કાળુ કરવાનો પ્રયાસ થયો છે. કચ્છના આર્થિક ગણાતા ગાંધીધામ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકામાં નહીં પણ ટાઉનહોલમાં યોજવામાં આવી હતી. ત્યારે, વોર્ડ ૧૨ ના રહેવાસીઓએ વિવિધ આક્ષેપો કર્યા હતા. 

અગાઉ પણ ગાંધીધામ નગરપાલિકા વિવાદમાં રહી છે. નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદે શાસક પક્ષના ભાજપના નગરસેવકો અને પદાધિકારીઓ સામ સામે આવી ગયા હતા. અગાઉ ૪૨ લોકો દ્વારા અવિશ્વાસની રજુઆત પછી ફરી એક વખત ૨૨ જેટલા નગરસેવકોએ મંજુરી વગર થયેલા વિકાસ કામોના મુદે નારાજગી વ્યકત કરી હતી.

Leave a comment