~ ઋતુરાજ વસંતમાં આહાર-વિહાર સચવાય તો સ્વાસ્થ્ય પ્રકૃતિની માફક ખીલી ઊઠે
વસંત ઋતુ દસ્તક આપી ચૂકી છે. પ્રકૃતિની સુંદરતા સાથે વાતાવરણ પણ બદલવા લાગ્યું છે. વસંત સાથે મૌસમનું પણ પરિવર્તન સામાન્ય છે. જે ખાસ કરીને ફળ અને શાકભાજી વિગેરેમાં પણ જોવા મળે છે. આ પરિવર્તનને જો આરોગ્ય સાથે વણી લેવામાં આવે તો તાજગી અનુભવી શકાય છે. જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા કાર્યરત આયુર્વેદ તથા અત્રેના પલ્મોનોજીસ્ટ વિભાગે વસંત ઋતુમાં લેવાની થતી સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું છે.
આયુર્વેદ તબીબ ડો. પિયુષ ત્રિવેદીએ જણાવ્યું કે, વર્ષની ૬ ઋતુમાં વસંતનું આગવું મહત્વ છે. ખાસ કરીને વસંત પંચમીથી ઠંડીનો પ્રકોપ ક્રમશ: ઘટવા લાગે છે. સામાન્ય રીતે ઠંડીના દિવસોમાં લેવાયેલા ભારે ખોરાકને કારણે જમા થયેલો કફ ઓગળવા લાગે છે. આ કફ અનેક બીમારીને જન્મ આપે છે. જેમાં ખાંસી, ઉધરસ, ગાળામાં ચેપ, એલર્જી, તાવ, શ્વાસ ચડવો, માથું દુખવું અને શરીરમાં ભારે ભારે લાગતું હોય છે.
આવી પરિસ્થિતિમાં વસંત ઋતુમાં ઉપલબ્ધ ફળો અને શાકભાજીનું વિપુલ માત્રામાં સેવન કરવાથી સ્વસ્થ રહી શકાય છે. જે વ્યક્તિને માનસિક રીતે પણ આરોગ્યપ્રદ રાખે છે. સુપાચ્ય કહી શકાય તેવા અનાજ જેમકે, જવની રોટલી, ઘઉંની રોટલી, જવનું પાણી, પરવળનું શાક, ચણા, મમરા, પૌંવા, સામો, ગલકાનું શાક, તુરિયાનું શાક વિગેરે આહારમાં સામેલ કરી શકાય છે.
લેવાની થતી કાળજી અંગે તેમણે કહ્યું કે, દૂધ ઉત્પાદિત ચીજ વસ્તુઓનું સેવન ઘટાડવું, ઠંડા પદાર્થો ન લેવા. જોકે હૂંફાળું પાણી લઈ તેમાં સૂંઠ અને મધ મિલાવી પી શકાય. શરીરમાં તલના તેલની માલીશ પણ કરી શકાય, વ્યાયામ ઉપરાંત વાતાવરણને અનુકૂળ વસ્ત્રો ધારણ કરવાથી રાહત રહે છે.
દરમિયાન જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના પલ્મોનોલોજીસ્ટ અને સીની. રેસી. ડો. તૃપ્તિ ગઢવીના જણાવ્યા મુજબ, આ ઋતુમાં એલર્જીના દર્દીઓ વધી જાય છે. અસ્થમાના દર્દીઓને પણ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. દર્દીની સારવાર ચાલુ હોય અને વધુ અસર જણાય તો તેમણે તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો. સાવચેતી માટે ડૉ. ગઢવીએ વધુમાં કહ્યું કે, માસ્ક પહેરીને બહાર નીકળવું, વાતાવરણ બદલાતું હોય ત્યાં સુધી સાવચેતી રાખવી. મોક લેવાની સલાહ પણ આપી છે. આમ વસંત ઋતુમાં આહાર અને વિહારની કાળજી લેવાય તો સ્વાસ્થ્ય પ્રકૃતિની માફક ખીલી ઊઠે.
