~ ભારત સામે જીત થતાં 3 T20 સિરિઝમાં ન્યુઝીલેન્ડ 1-0 થી આગળ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતની 21 રને હાર થઈ છે. ન્યુઝીલેન્ડના 20 ઓવરમાં 6 વિકેટે 176 રનના જવાબમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવતા ટીમ ઈન્ડિયાની 21 રને હાર થઈ હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે 3 T20 સિરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી સૌથી વધુ રન વોશિંગ્ટન સુંદરે 28 બોલમાં 3 સિક્સ અને 5 ફોર સાથે 50 રન બનાવ્યા હતા. તો સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 2 સિક્સ અને 6 ફોર સાથે 47 રન બનાવતા અર્ધસદી ચુક્યો હતો. તો કેપ્ટન હાર્દિક પંડ્યા માત્ર 10 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યુસને 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે જેકબ ડફી અને ઇશ સોઢીને 1-1 વિકેટ મળી હતી. આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો હતો 177 રનનો ટાર્ગેટ
આ દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવી ભારતને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ ડેરીલ મિશેલે વિસ્ફોટક બેટીંગ કરી 30 બોલમાં 5 સિક્સ અને 3 ફોર સાથે 59 રન બનાવ્યા હતા. તો ડેવોન કોનવે સૌથી વધુ 35 બોલમાં 1 સિક્સ અને 7 ફોર ફટકારી 52 રન કર્યા હતા.તો ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 14 રન આપી બે વિકેટ, કુલદીપ યાદવે 4 ઓવરમાં 20 રન આપી એક વિકેટ, શિવમ માવીએ બે ઓવરમાં 19 રન આપી એક વિકેટ, જ્યારે સૌથી વધુ ખર્ચાળ સાબિત થયેલા અર્શદીપ સિંહે 4 ઓવરમાં 51 રન આપી એક વિકેટ ઝડપી હતી.
અર્શદીપ સિંહ સૌથી વધુ ખર્ચાળ બોલીંગ કરી
ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ રન આપ્યા હતા. અર્થદીપ સિંહે આ મેચમાં 4 ઓવરમાં 51 રન સાથે ખર્ચાળ બોલીંગ કરી હતી. આ દરમિયાન તેણે બે વાઈડ અને એક નોબોલ નાખ્યો હતો. તો તેની 4 ઓવરમાં દરમિયાન ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ 4 ફોર અને 4 સિક્સ પણ ફટકારી હતી.
વોશિંગ્ટન સુંદરે એક જ ઓવરમાં લીધી બે વિકેટ
પ્રથમ ટી20 મેચમાં ન્યુઝીલેન્ડની ધમાકેદાર બેટીંગ પર વોશિંગ્ટન સુંદરે બ્રેક મારી દીધી છે. સુંદરે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી ભારતીય ટીમને રાહત આપી છે. ફિન એલનને વોશિંગ્ટન સુંદરે આઉટ કર્યો છે. ફિન એલને 23 બોલમાં 35 રન બનાવી આઉટ થયો છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડનો સ્કોર 4.3 ઓવરમાં એક વિકેટે 43 રન થયા હતા. આ જ ઓવરમાં વોશિંગ્ટન સુંદરે એલન બાદ માર્ક ચેપમેનને ક્લીન બોલ્ડ કર્યો હતો.
ભારતનો સતત શ્રેણી વિજય
ભારત ન્યુઝીલેન્ડ સામે છેલ્લે ફેબ્રુઆરી, 2019માં રમાયેલી શ્રેણી 1-2થી હાર્યું હતુ. જોકે તે પછી ભારતે 2020માં પાંચ ટી-20ની શ્રેણી 3-0, 2021માં 3 ટી-20ની શ્રેણી 3-0થી અને 2022માં રમાયેલી 3 ટી-20ની શ્રેણી 1-0થી જીતી લીધી હતી.
