જી.કે.જન.અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સા વિભાગનું તારણ: મજબૂત સામાજિક સંબંધો વ્યક્તિને માનસિક રીતે સ્વસ્થ બનાવવામાં મદદરૂપ

ઘર, પરિવાર અને વ્યાપક સામાજિક સંગઠનો અને તેમના વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો શારીરિક અને માનસિક રીતે વ્યક્તિને સ્વસ્થ બનાવે છે, એમ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબ દ્વારા જણાવાયું હતું.

જી.કે.જન.ના મનોચિકિત્સા વિભાગના હેડ અને પ્રોફે.ડૉ. મહેશ તિલવાણીએ અત્રે આવતા દર્દીઓને ટાંકીને કહ્યું કે, માનસિક સમસ્યા માટે સારવાર લેતા દર્દીઓ પૈકી મોટા ભાગના જ્યારે એકલા હોય અને એકલતા ભોગવતા હોય ત્યારે તેમને માનસિક રીતે વધુ અસર થાય છે. તેમને સામૂહિક રીતે પરસ્પર વાતો કરવા અને વિચારોની આપ-લે કરવાનું કહેવાયું અને તેમણે આ સલાહ અનુસરી જેથી તેમને ફાયદો થયો હતો.

તેમના જણાવ્યા અનુસાર સામાજિક  સંગઠનો વચ્ચેની ઘનિષ્ઠતા અને રચનાત્મક કાર્ય માટે જોડાયેલી મંડળીઓની નિકટતા અને તેમના મજબૂત સંબંધો સાથે જોડાયેલી વ્યક્તિને વધુ સલામતી આપતા હોવાનું જણાયું છે.

સામાજિક સંગઠનો સાથે જોડાયેલી વ્યક્તિનું અનુબંધન જેટલું મજબૂત તેટલી વ્યક્તિની એકલતા કે પરેશાની ઓછી એટલું જ નહીં, વ્યક્તિ વઘુ પ્રવૃત્તિશીલ બની જતો હોવાથી તેની ખુશી પણ બેવડાઈ જાય છે, જે સરવાળે માનસિક સમસ્યાથી દૂર રહે છે. જોકે આ અંગે વૈશ્વિક સ્તરે અનેક સંશોધનો ચાલે છે.વ્યક્તિ સમાજનો જ એક ભાગ હોવાથી સમાજ સાથે ઘર અને પરિવાર સાથે જોડાયેલા રહેવું જરૂરી છે.

વધુમાં હાલમાં શિયાળાની ઋતુમાં શારીરિક પ્રક્રિયાઓ મંદ ગતિએ ચાલતી હોવાથી ડિપ્રેશન થવાની સંભાવનાને ટાળવા કસરત સાથે સામજિક પ્રવૃત્તિ પણ કારગર નિવડે છે એમ તબીબે ઉમેર્યું હતું.

Leave a comment