કોરોના બાદ ઠારને લઇને કચ્છ કલેક્ટરની માર્ગદર્શિકા

કોરોનાકાળ બાદ ભુજ શહેર, તાલુકાના રણકાંધીના ગામો અને જિલ્લાના દુર્ગમભાગોમાં ઉભી થયેલી શીત સંચારબંધી જેવી સ્થિતિમાં કચ્છના કલેક્ટરે પ્રથમ વખત માર્ગદર્શિકા બહાર પાડીને જિલ્લામાં બે દિવસ શીત લહેર (કોલ્ડ વેવ)ની અાગાહીને લઇને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે.

જિલ્લા સમાહર્તા દિલીપ રાણાએ જારી કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ, જિલ્લાના લોકોને કામ સિવાય ઘરથી બહાર ન નીકળવા, ઠંડા પવનો ઘરમાં ન અાવે તે માટે ઘરના દરવાજા, બારીઅો યોગ્ય રીતે બંધ કરવા, ઠંડીથી ફલુ, વહેતું કે ભરેલું નાક, નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઅોની શક્યતા વધી જાય છે, જેથી તબીબની સલાહ લેવા, કપડા, ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઇટ અને દવાઅોનો પૂરતો જથ્થો રાખવા, હવામાન વિભાગની ઠંડીને લગતી માહિતીને અનુસરવા, ફેફસાને સુરક્ષિત રાખવા મોં, નાક, માથાને ઢાંકવા, રોગ પ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામીન સી થી ભરપૂરત ફળો, શાકભાજી ખાવા, નિયમિત ગરમ પ્રવાહી પીવા, નવજાત શિશુ, બાળકો, વૃધ્ધોની ખાસ તકેદારી રાખવા, બંધ જગ્યાઅોમાં કોલસો કે, લાકડા ન બાળવા, શરીર ગરમી ગુમાવતાં ધ્રુજારી થાય છે,

જેથી તેવી વ્યક્તિને ઘરમાં લઇ જઇ જયાં સુધી સંપૂર્ણ સજાગ ન થાય ત્યાં સુધી કોઇપણ પ્રવાહી ન અાપવા, ઠંડીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી અાંગળીઅો, અંગુઠા, નાક અને કાનના પડદા પર લાલ ફોલ્લા થઇ શકે છે. જયારે તે ભાગ મરી જાય છે અને ત્વચાનો લાલ રંગ કાળ થઇ શકે છે, અાવી સ્થિતિમાં તરત તબીબનો સંપર્ક કરવા, ખેતી ક્ષેત્રે કોલ્ડ વેવ પછી પાકમાં ફોસ્ફરસ અને પોટેશીયમ ખાતરનો ઉપયોગ કરવા, પાલતુ પ્રાણીઅો, પશુઅોને ઠંડીથી રક્ષણ અાપવા ધાબળા, કંતાનથી ઢાંકવા, પ્રાણીઅોના રહેણાંકને ચારે બાજુથી ઢાંકી દેવા, પશુઅોને સારી ગુણવત્તાવાળો ઘાસચારો અાપવા સહિતની માર્ગદર્શિકા સાથે ઠંડીને લઇને લોકોને કામ વગર ઘરથી બહાર ન નીકળવા કચ્છ કલેક્ટર દ્વારા અપીલ કરાઇ છે.

ઠંડીથી મોતના કિસ્સામાં તાત્કાલિક જાણ કરવા તાકીદ
કલેક્ટર દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મામલતદાર અેચ.અે. નાગોરીઅે કચ્છના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તમામ મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઅો, ચીફ અોફિસરોને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ભીક્ષુક, અનાથ લોકોને રૈન બસેરામાં ખસેડવા તેમજ ઠંડીથી મરણના કિસ્સામાં તેનું નિયમ અનુસાર પોસ્ટમોર્ટમ કરાવી, તેની માહિતી તાત્કાલિક મોકલી અાપવા તેમજ કન્ટ્રોલ રૂમ નં.02832 252347 પર જાણ કરવા તાકીદ કરી છે.

Leave a comment