જી. કે. જન. અદાણી હોસ્પિ. માં ધનુરની રસી કે ઇન્જે. ન લેવાથી ગંભીર હાલતમાં મુકાયેલા યુવાનને ૨૫ દિ’ ની વેન્ટિ. સારવાર સાથે એક મહિનાની જહેમત પછી જીવનદાન મળ્યું

ધનુરની રસી અચુક લેવા તબીબોની સલાહ

જો લોખંડ કે કાટ લાગેલી વસ્તુ વાગવાથી વડીલો કે હિતેચ્છુ ટીટેનસ (ધનુર)નું ઇન્જેક્શન તાત્કાલિક લેવા સલાહ આપતા હોય છે,તેમ છતાં કોઈ ના લે અને આવી રસી ન મૂકાવી હોય તો શું દશા થાય તે ઘટનાને ઉજાગર કરતો એક કેસ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેને બચાવવા મેડીસીન વિભાગે એક મહિનો પસીનો પાડ્યો હતો. કેમકે આવા કેસમાં ૫૦ થી ૮૦ ટકા દર્દીનું મૃત્યુ થાય છે.

હોસ્પિટલના મેડિસીન વિભાગના ઍસો. પ્રોફે. ડો. યેશા ચૌહાણે સફળ સારવાર બાદ કહ્યું કે, એક ખાનગી હોસ્પિટલમાંથી મુન્દ્રાના ૩૦ વર્ષના દિનેશ દેવીપૂજકને અત્રે લાવવામાં આવ્યો ત્યારે શરીરના સ્નાયુતંત્ર ઉપર ખરાબ અસર હતી. ઓક્સિજન લેવલ ખૂબ ઓછું હતું. ઇતિહાસ ચકાસતા માલૂમ પડયું કે તેણે નાનપણમાં તો ટીટેનસની રસી નહોતી લીધી એટલું જ નહિ, જ્યારે પગમાં વાગ્યું ત્યારે પણ આવું કોઈ ઇન્જેક્શન ન લેવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ હતી.

દર્દીને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં સિફ્ટ કરી સારવાર શરુ કરી. સારવારની પ્રક્રિયા એટલી જટિલ હતી કે, સતત એક મહિનો અનેક પ્રકારની સારવાર કરાઈ. પ્રથમ તો ઈ. એન. ટી. વિભાગના સહકારથી ગરદનમાં છેદ કરી (ટ્રેકિયોસ્ટોમી) શ્વાસોચ્છવાસ અપાયા. સાથે જેની ખૂબ જરૂર હતી એ ટીટેનસ માટે પેરાલીસીસ અને સેડેસન આપી તેનું ભવિષ્ય સુરક્ષિત કર્યું. દરમિયાન  મગજમાં ચેપને કારણે દર્દીનું બી.પી. ૧૯૦ સુધી પહોંચતા PRESS સિસ્ટમથી લોહીનું દબાણ કંટ્રોલ કરાયું. શરીરના સ્નાયુઓને મૂળ સ્થિતિમાં લાવવા હાઈ લેવલના ઇન્જેક્શન અપાયા.

દરમિયાન ફેફસામાં ભરાયેલી હવા ICD  સિસ્ટમથી બહાર કાઢી. તેને આ ઉપચાર દરમિયાન સતત ૨૫ દિ’ વેંટિલેટર ઉપર રાખી  રીતે આ સમગ્ર સારવાર એક મહિનો ચાલી અને પછી જ દર્દી સલામત તબક્કે પહોંચી શક્યો. આ સારવારમાં મેડીસીન વિભાગ સાથે ઈ. એન. ટી., એનેસ્થેસિયા, ફિઝિયો, પલમોનોલોજી વિભાગની પણ ભૂમિકા હતી.  ડૉ. કલ્પેશ પટેલ, ડૉ. જયંતી સથવારા, ડૉ. શૈલ જાની, ડૉ. સાગર સોલંકી, ડૉ. મયુર પટેલ, ડૉ. વિવેક સોલંકી, ડૉ. નીલમ પટેલ અને ડૉ. જય ગોર ઉપચારમાં જોડાયા હતા.

તબીબોએ નાનપણથી જ ધનુરવાની રસી અચૂક લઇ લેવા સલાહ આપી છે.

Leave a comment