~ શિયાળામાં સ્વાસ્થ્ય સાચવે બાજરાનું સેવન
દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છ આવે છે ત્યારે તેમને અહીંનો બાજરાનો રોટલો અને ચટણી બરાબર દાઢે વળગે છે.આવા સ્વાદિષ્ટ બાજરાને વિશ્વવ્યાપી બનાવવા અને તેમાં રહેલા ભરપૂર તત્વોથી દુનિયા અવગત થાય એ માટે યુનોએ ૨૦૨૩ને વિશ્વ બાજરા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના તબીબોએ બાજરાના આરોગ્યલક્ષી ફાયદા વિશે જાણકારી આપી છે.
બાજરામાં પ્રોટિન, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન તથા અનેક ખનિજ તત્વો તથા વિટામિન્સ હોય છે. આ ઉપરાંત તેમાં ફાઇબરની માત્રા પણ વધુ હોવાથી તેના સેવનથી પાચનતંત્ર દુરસ્ત રહે છે. ગેસ, પેટદર્દ, અપચો જેવી અનેક સમસ્યાથી શરીરને દૂર રાખવા બાજરો મદદ રૂપ બને છે.
જી.કે.જનરલ હોસ્પિટલના ડાયટેશિયન અનિલાબેન પરમારે જણાવ્યું કે, હોસ્પિટલમાં ગર્ભવતી માતાઓ અને ધાત્રીમાતાઓ જ્યારે કાઉન્સેલિંગ માટે આવે છે ત્યારે તેમને બાજરાનો રોટલો, રાબ, કૂલર વિગેરે લેવાનો ખાસ આગ્રહ રાખવા કહેવાય છે કેમકે તેમાં આયર્ન હોવાથી માતા બાળક બંને માટે પોષક બની રહે છે.
આ અનાજમાં તબીબોના જણાવ્યા મુજબ એન્ટિઓક્ષિડેન્ટ પણ સ્રોત હોવાથી લોહીની નળીઓને સ્વસ્થ રાખી કોલેસ્ટેરોલ મેન્ટેઈન કરે છે. જો બાજરાનું નિયમિત સેવન કરતા વજન ઉપર પણ કાબુ રાખી શકાય છે. બાજરો લીવરની પણ એવી જ કાળજી લે છે. જોકે તજજ્ઞો તેનું સેવન યોગ્ય માત્રામાં કરવા પણ સલાહ આપે છે. પોષણથી ભરપૂર આવા બાજરાથી દુનિયા વાકેફ થાય અને તેનો સ્વાસ્થ્ય માટે ભરપૂર ઉપયોગ થાય તે હેતુસર યુનોએ ભારતની દરખાસ્ત માનીને ૨૦૨૩ વર્ષને બાજરા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આખું વર્ષ ખવાતો બાજરો શિયાળામાં તો આરોગ્ય માટે તો પોષક આહાર બની રહે છે.
