સ્વામી વિવેકાનંદની આજે 161મી જન્મજયંતિની દેશભરમાં ઉજવણી

~ વિવેકાનંદ ગણિત, ઈતિહાસ, તત્વજ્ઞાન, કાયદામાં ગ્રેજ્યુએટ થયા હતા  : ઈ. 1891, 1892માં સ્વામી વિવેકાનંદે ગુજરાતના અનેક સ્થળોની મુલાકાત લઈને જે બીજ રોપ્યું તે આજે વટવૃક્ષ

કલકત્તાના નામાંકિત એટર્ની વિશ્વનાથ દત્તા અને ભુવનેશ્વરી દેવીને ત્યાં ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ના દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો,જેનું નામ હતું નરેન્દ્રનાથ દત્તા અને તે જ ઈશ્વરીય પ્રતિભા આજે કરોડો લોકોના હૃદયમાં બીરાજતા અને દોઢસો વર્ષથી ભારતીયો અને વિશ્વભરના લોકોમાં પ્રેરણાનો અખંડ  સ્ત્રોત બનનાર સ્વામી વિવેકાનંદ છે. આજે પણ તેમના પ્રવચનો, પુસ્તકો કરોડોને શક્તિશાળી વિચાર માટે પ્રેરણા આપી રહ્યા છે. જેમનો આવતીકાલ તા. 12ના જન્મજયંતિ દેશની સાથે ગુજરાતભરમાં ઉજવાશે.

સ્વામી વિવેકાનંદે ધર્મના પ્રચાર માટે 1891, 1892માં  અમદાવાદ, વઢવાણ, લીમડી, ભાવનગર, શિહોર, જુનાગઢ, ગીરનાર, પાલીતાણા, ભૂજ, વેરાવળ સોમનાથ, નડિયાદ, દ્વારકા, માંડવી, નારાયણ સરોવર, વડોદરા સહિત સ્થળોએ પ્રવાસ કર્યો હતો અને રાજકોટ, મોરબી, લિમડી સહિત અનેક રાજવીઓએ તેમને ખૂબ આવકાર અને ધર્મપ્રચાર માટે સહાય આપી હતી. 

150 વર્ષ પહેલાના સમયમાં સ્વામી વિવેકાનંદ ઈતિહાસ, ગણિત અને તત્વજ્ઞાાન વિષયમાં ગ્રેજ્યુએટ થયા અને કાયદામાં ડિગ્રી મેળવી. ગાંધીજીની જેમ તેમણે પણ કાનુનનો અભ્યાસ કર્યો હતો. પરંતુ, 18 વર્ષની ઉંમરે કોલેજમાં ભણવાના સમયે  આ શક્તિશાળી, મેઘાવી યુવાન રામકૃષ્ણ પરમહંસના સંસર્ગમાં આવ્યા અને તેમની દિવ્યશક્તિ જાગૃત થઈ. બાદમાં તેમના નેતૃત્વમાં 14  શિષ્યો, સાધુઓએ રામકૃષ્ણ મઠની સ્થાપના કરી જે આજે દેશભરમાં દિવ્ય પ્રવૃતિ માટે જાણીતા છે. 

રાજકોટના યાજ્ઞિાક રોડ પર હાલનું ભવ્યાતિભવ્ય રામકૃષ્ણ આશ્રમ 1979માં બંધાયેલ છે, ત્યાં 1935થી રામકૃષ્ણ મઠ ચાલે છે, તે પહેલા 1927 માં સિટી સ્ટેશન પાસે રામકૃષ્ણ આશ્રમનો પ્રારંભ થયો હતો. આવતીકાલે ૧૬૧મી વિવેકાનંદ જયંતિ નિમિત્તે રામકૃષ્ણ આશ્રમમાં યુવા સંમેલનનું આયોજન કરાયું છે. સવારે 5થી 12.30 વિશેષ કાર્યક્રમો અને સાંજે 5.30 એ શિવનામ સંકીર્તન થશે. આ જ રીતે તમામ રામકૃષ્ણ આશ્રમમાં કાર્યક્રમો યોજાયા છે. રાજકોટમાં મનપા દ્વારા કોટેચા ચોક અને લાલપરી-રાંદરડા તળાવના કાંઠે નમો વડ વનમાં તેમજ સંસ્થા દ્વારા રામકૃષ્ણ આશ્રમ પાસે સ્વામીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરાયેલી છે. મનપા દ્વારા પણ જન્મજયંતિએ પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો છે.

Leave a comment