લખપત તાલુકા જેવા દૂર સુદુરના વિસ્તારમાં સગર્ભામાતાઓ અને બાળકોના આરોગ્ય માટે સ્થાનિક આરોગ્ય વિભાગ સાથે મદદરૂપ બની જી.કે.જનરલ હોસ્પિટલ દ્વારા તબીબો સહિત દવા અને અલ્ટ્રા સોનોગ્રાફિના જરૂરી ઉપકરણો સાથે પ્રતિ અઠવાડિયે દયાપર અને તાલુકામાં મેડિકલ કેમ્પનું આયોજન કરાય છે, તે મુજબ ગયા વર્ષે ૧૫૯ કેમ્પ અંતર્ગત ૨૧૦૦૦ વિવિધ રોગગ્રસ્ત દર્દીઓની સારવાર આપવામાં આવી હતી.
આ કેમ્પનો સરહદી વિસ્તારમાં ગ્રામ વિસ્તારના લોકો મોટાપાયે લાભ લઇ રહ્યા છે, જેમાં સ્ત્રીરોગ અને બાળકોની સારવાર ઉપરાંત તાવ, શરદી અને વાયરલના ૧૦હજારથી વધુ લોકોનું નિદાન અને સારવાર મેડીસીન વિભાગ મારફતે કરવામાં આવી હતી.ગર્ભવતી માતાઓ અને બાળકો માટે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરી વર્ષ દરમિયાન બંને મળીને ૯૯૦૦ જેટલા બાળકો અને મહિલાઓને સારવાર આપવામાં આવી હતી.
બાળકો અને માતાના કૂખમાં પોષાતું બાળક પણ કુપોષણનો શિકાર ન બંને એ હેતુસર તેમને જરૂરી માર્ગદર્શન તથા રાજ્ય સરકાર પ્રેરિત યોજનાઓનો લાભ લેવા પણ યોગ્ય રાહ નિર્દેશ કરવામાં આવે છે. આ જુંબેસમાં સ્થાનિક આરોગ્ય તંત્ર પણ વિશેષ સહભાગી બને છે.
ગર્ભવતી મહિલાઓના બાળકના આરોગ્યની પરિસ્થિતિ જાણવા માટે તેમનું યુ.એસ.જી.પણ કરવામાં આવે છે, ક્યાંક ગંભીર પરિસ્થિતિ જણાય તો તેમને જી.કે.માં વધુ સારવાર માટે રીફર પણ કરવામાં આવે છે. આવી ૨૦૦૦ ઉપરાંત યું.એસ.જી.અને ૧૧૦૦ જેટલા ઈ.સી.જી.પણ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. લખપત તાલુકાના જુદા જુદા આરોગ્ય કેન્દ્ર દ્વારા જી.કે.જનરલ હોસ્પિટલના મેડિકલ કેમ્પમાં વધુ ને વધુ જોડાય તેવું પણ આયોજન કરાય છે.પ્રતિ શુક્રવારે દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેમ્પ યોજાય છે.
