~ નાની બચત ખાતાના વ્યહવાર અને સ્પીડ પોસ્ટ બંધ રહેતા શહેર કોંગ્રેસ આકરા પાણીએ
તાલુકા મથક મુન્દ્રા પોસ્ટ ઓફિસનો વહીવટ વિતેલા દસ દિવસથી ઠપ્પ થઇ જવાથી લોકો અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આ બાબતે ટપાલ કચેરીના વર્તુળોએ શહેર કોંગ્રેસ પ્રમુખને રજુઆત સંદર્ભે જણાવ્યું હતું કે વધી ગયેલા વોલ્ટેજમાં નેટને જોડતી સ્વીચ સળગી જવાથી પોસ્ટ ઓફિસના સર્વર ચાલુ થતાં નથી.
ઔદ્યોગિક રીતે વિકસેલા મુન્દ્રાની પોસ્ટ ઓફિસના માધ્યમથી દૈનિક સેંકડો રજીસ્ટર એડી. સ્પીડ પોસ્ટ,પાર્સલ તથા બચત સંલગ્ન મોટા આર્થિક વ્યહવાર અટવાઈ ગયા છે. ટેક્નોલોજીના યુગમાં ટપાલખાતું તાલુકા મથકની તાંત્રિક ક્ષતિ દૂર કરવામાં ઉણું ઉતરતાં વીતેલા દસ દિવસથી પાર્સલ, રજીસ્ટર એડી તથા સ્પીડ પોસ્ટનો સ્વીકાર બંધ થયો છે.
બીજી તરફ બચતખાતામાં ઉપાડ બંધ થવાને કારણે લોકો પોતાની રકમ ન મળવાની સ્થિતી નિર્માણ પામી છે.ત્યારે આકરા તેવર દેખાડતાં શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ કેસરીયાએ જો બે દિવસમાં સ્થિતી પૂર્વવત ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
