પુતિન ની યુક્રેન પર મોટા હુમલાની તૈયારી

~ હાલમાં હાઈપરસોનિક મિસાઈલ માત્ર રશિયા, ચીન અને અમેરિકા પાસે છે

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ટૂંક સમયમાં એક વર્ષ પુરુ થશે પરંતુ હજુ પણ યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી. સમયની સાથે રશિયા યુક્રેન પર સતત તેના હુમલાઓ કરી રહ્યું છે. વિજય માટે તલપાપડ રશિયા હવે મિસાઈલો અને અન્ય આધુનિક શસ્ત્રોથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. આ ક્રમમાં રશિયાએ એટલાન્ટિક સમુદ્રમાં નવી જનરેશનની હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલોથી સજ્જ યુદ્ધ જહાજ તૈનાત કર્યું છે. આ પગલાથી એવું લાગે છે કે રશિયા પીછેહઠ કરશે નહીં અને તે આરપારની લડાઈના મૂડમાં છે.

પુતિને આ હથિયારોની તૈનાતીની જાણકારી આપી

હાલમાં હાઈપરસોનિક મિસાઈલ માત્ર રશિયા, ચીન અને અમેરિકા પાસે છે. આ હથિયારોની તૈનાતી પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન સંરક્ષણ પ્રધાનો સર્ગેઈ શોઇગુ અને ઈગોર ક્રોખમલ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન તેમણે તેની વિગતવાર ચર્ચા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિને બેઠકમાં કહ્યું હતું કે, આ વખતે જહાજ નવીનતમ હાઈપરસોનિક મિસાઇલ સિસ્ટમ ‘ઝિર્કોન’થી સજ્જ છે. મને ખાતરી છે કે આવા શક્તિશાળી શસ્ત્રો રશિયાને સંભવિત બાહ્ય જોખમોથી નિશ્ચિતપણે સુરક્ષિત કરશે. આ શસ્ત્રોનું વિશ્વના કોઈપણ દેશમાં કોઈ એનાલોગ નથી.

રોકેટ હુમલામાં રશિયનના  89 રશિયન સૈનિક માર્યા ગયા

બીજી તરફ આ બધાથી અલગ રશિયન સેનાએ મંગળવારે જણાવ્યું કે, યુક્રેન દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલામાં તેના 89 સૈનિકો માર્યા ગયા છે. રશિયન સેનાના જનરલ લેફ્ટનન્ટ સર્ગેઈ સેવેર્યુકોવે જણાવ્યું કે, ગયા અઠવાડિયે યુક્રેનની સેનાએ ફોન સિગ્નલની મદદથી અમારા કેમ્પ પર રોકેટથી હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 89 જવાનો શહીદ થયા છે. મોબાઈલના કારણે યુક્રેનને આપણા સૈનિકોના ઠેકાણાની ખબર પડી છે.

Leave a comment