યુવતીએ માઈનસ ૨૭ ડિગ્રી તાપમાનમાં બર્ફિલા તળાવમાં ડૂબકી લગાવી

~ વીડિયો દુનિયાભરમાં ભારે વાયરલ થયો, ૨૦ લાખ લોકોએ જોયો

સોશિયલ મીડિયામાં કોફી ફોર ધ કોલ્ડ કેપ્શન સાથે એક વીડિયો ટ્વિટરમાં શેર થયો હતો.બ્લેક સ્વિમસૂટમાં એક રશિયન યુવતી બર્ફિલા તળાવમાં ડૂબકી લગાવીને બહાર નીકળે છે અને બરફના થર પાસે રાખેલી ગરમ કોફીની ચૂસ્કી લગાવે છે. કોફીના ઘૂંટડાથી ગરમાવો મેળવ્યા બાદ એ તુરંત મોબાઈલ હાથમાં લઈને તાપમાનનો પારો બતાવે છે. એ સ્થળે ત્યારે તાપમાન માઈનસ ૨૭ ડિગ્રીએ થીજી ગયું છે.

વીડિયો દુનિયાભરમાં ભારે વાયરલ થયો છે અને ૨૦ લાખ લોકોએ જોયો છે. વીડિયો રશિયાના પાટનગર મોસ્કોનો છે. મોસ્કોમાં આ સિઝનમાં આકરી ઠંડી પડે છે. હજારો કોમેન્ટ થઈ રહી છે. કેટલાક લોકોનો દાવો છે કે વીડિયો થોડો જૂનો છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે આટલા તાપમાનમાં થીજી ગયેલા પાણીમાં ડૂબકી લગાવીને યુવતી બચી ગઈ એ જ ખરેખર તો ચમત્કાર કહેવાય.

ઘણાં યુઝર્સે પબ્લિસિટી માટે જીવ જોખમમાં મૂક્યો હોવાનો મત પણ વ્યક્ત કર્યો હતો. એક્સટ્રીમ ઠંડીમાં રહેવાની માનવશરીરની ક્ષમતાની કસોટી કરતા આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે.

Leave a comment