~ 10 પાકિસ્તાનીઓની ધરપકડ
~ પાકિસ્તાનની અલસોહેલી બોટમાંથી પિસ્ટલ અને કારતૂસ પણ ઝડપાયા હોવાની વિગતો સામે આવી
~ ATS અને કોસ્ટગાર્ડને ફરી એકવાર ડ્રગ્સની ઘૂષણખોરી રોકવામાં સફળતા
ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી અલસોહેલી બોટમાંથી અંદાજે 40 કિલો હેરોઈન અને હથિયારો ઝડપાયાં છે. તે ઉપરાંત આ બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતનો દરિયાકાંઠે ડ્રગ્સ પકડાવવાનો સીલસીલો ચાલુ જ રહ્યો છે. દ્વારકાના દરિયામાંથી આશરે 300 કરોડની કિંમતના નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં આ વખતે પણ હથિયારો અને હેરોઈનની હેરાફેરીને રોકવામાં સફળતા મળી છે. આ ઓપરેશનમાં પાકિસ્તાની બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ પુછપરછ શરૂ કરાઈ છે. તેમની પાસેથી પિસ્ટલ કારતૂસ મળ્યા હોવાની પણ વિગતો મળી છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉચ્ચ કક્ષાના અને સ્થાનિક અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. કેટલા સમયથી ડ્ર્ગ્સનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો સહિતની વિગતો એકઠી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અલ સૌહેલી બોટને રોકવા ફાયરિંગ કર્યું : ગેસ સિલિન્ડરમાં ડ્રગ્સ, ઈટાલીયન પિસ્ટલ અને ૧૨૦ કારતૂસ છૂપાવ્યા હતા
સૌરાષ્ટ્રના ઓખા નજીકના દરિયાકાંઠામાં પાકિસ્તાની બોટ અલ સૌહેલીની ગતિવીધી અંગે ઈનપૂટ મળતા કોસ્ટલ ગાર્ડ અને એટીએસની ટીમના અધિકારીઓએ રવિવારે મોડી રાત્રીના તપાસ શરૂ કરી હતી. ઈનપૂટને પગલે કોસ્ટગાર્ડના અરિંજય જહાજમાં અધિકારીઓએ પેટ્રોલિંગ શરૂ કરી પાકિસ્તાની બોટ અલ સૌહેલી ભારતીય જળસીમામાં ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડે બોટને રોકવા સૂચના આપવા છતાં ખલાસીએ બોટને રોકી ન હતી. કોસ્ટગાર્ડે ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યા બાદ પણ બોટ ના રોકાતા પીછો કરીને બોટને રોકવામાં આવી હતી.
એટીએસના અધિકારીઓને બોટમાં પ્રથમદષ્ટીએ કોઈ શંકાસ્પદ બાબત જણાઈ ન હતી પણ ભાગવાનો પ્રયાસ કર્યો હોવાથી બોટમાં સવાર દસે-દસ પાકિસ્તાની માછીમારોની પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાનમાં છ ગેસ સિલિન્ડરોની તપાસ કરતા ત્રણ સિલેન્ડરમાંથી રૂ.૩૦૦ કરોડનું ૪૦ કિલો હેરોઈન, ઈટાલીયન બનાવટની છ પિસ્ટલ અને એક સિલિન્ડરમાં છૂપાવેલા ૧૨૦ કારતૂસનો જથ્થો મળી આવ્યો હતો. હથિયારોનો જથ્થો બોટમાંથી મળી આવતા અધિકારીઓએ તમામ એજન્સીઓને સર્તક કરીને ભારતીય દરિયાઈ સીમમાં પેટ્રોલીગ વધારવા માટે સૂચના જારી કરી હતી. આમ, ગુજરાતની દરિયાઈ સીમામાં વર્ષો બાદ ફરી ફિશિંગ બોટમાં હથિયારોની હેરાફેરીએ અધિકારીઓને એલર્ટ મોડ પર લાવી દીધા છે.ગુજરાત એટીએસની ટીમ દ્વારા દસ-દસ પાકિસ્તાની માછીમારોને અટકમાં લઈને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ હથિયારો કોણે પહોંચાડવાના હતા તેમજ કયા હેતુથી આવ્યા તે મામલે સઘન તપાસ હાથ ધરાઈ છે. પકડાયેલા તમામ માછીમારો પાકિસ્તાની બલોચ જાતીના હોવાનો ખુલાસો થયો છે.
અલ સૌહેલી બોટ કરાંચીમાં રજીસ્ટર્ડ
હથિયારો,દારૂગોળા અને હેરોઈન સાથે ઝડપાયેલી અલ સૌહેલી બોટનું રજીસ્ટ્રેશન પાકિસ્તાનના કરાંચીમાં થયેલું હોવાની વિગતો પોલીસને મળી છે. આ બોટમાં હથિયારો અને દારૂગોળો મોકલવા પાછળનો ઈરાદો આતંકી કૃત્યને અંજામ આપવાનું કાવતરૂ હોવાનું અનુમાન સુરક્ષા એજન્સીઓ કરી રહી છે. પોલીસે અલ સૌહેલી બોટમાં સવાર તમામ માછીમારોની પૂછપરછ હાથ ધરી તેઓના આકા અંગે તપાસ શરૂ કરી છે.
૧૮ મહિનામા ૧૯૩૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત એટીએસ અને ભારતીય તટ રક્ષક દળે ૧૮ મહિનામાં ૧૯૩૦ કરોડનું ડ્રગ્સ સાત ઓપરેશનમાં ઝડપ્યું છે. આ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના જથ્થા સાથે ૭ ઈરાની અને ૪૪ પાકિસ્તાનીઓ ઝડપાયા છે. ગુજરાતના દરિયાકાંઠામાં થયેલા આ સાત મોટા ઓપરેશનમાં પહેલીવાર હથિયારો સાથેનો જથ્થો આવતા સુરક્ષા એજન્સીઓ સર્તક બની ગઈ છે.
