અદાણી ફાઉન્ડેશન દ્વારા “ખેડૂત દિવસ-૨૦૨૨“ની ઉજવણી

~ અદાણી ફાઉન્ડેશન દ્વારા ખેતી અને પશુપાલનમા વિશિષ્ટ કામગીરી બદલ બહેનોનું સન્માન

અદાણી પેટ્રોકેમિકલ્સ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે  “ખેડૂત દિવસ -૨૦૨૨ ની ઉજવણીમાં“ ઉત્તમ ખેતી ઉત્તમ જ રહે તેવો મહિલાઓનો અવિરત પ્રયાસ“ એ સૂત્ર હેઠળ મુંદરા અને માંડવી તાલુકાની ૧૫૨ બહેનોએ આ કાર્યક્રમમાં આવેલ. જેમાં અનોખી કામગીરી કરનાર ૧૨ બહેનોને સન્માન માટે પસંદ કરવામાં આવ્યા હતા.

આપણે સૌ જાણીએ છીએ કે ખેતી અને પશુપાલન બંને વ્યવસાયની દરરોજની કામગીરીમાં ૭૫ થી ૮૦ ટકા કામગીરીમાં મહિલાઓની સામેલગીરી હોય છે. પરંતુ ખેતીમાં નિર્ણયોમાં બહેનોની ભાગીદારી ઓછી જોવા મળે છે. છતાં પણ જે મહિલાઓ પોતાની કોઠાસૂઝ અને અનોખી કાબેલિયતને કામે લગાડીને પોતાની ખેતી અને પોતાના આંગણામાં રહેલ પશુઓ સાથે સવિશેષ લગાવથી કામગીરી કરે છે. તેના ઉત્તમ પરિણામો દ્વારા પોતાના પરિવારને આત્મનિર્ભર બનાવે છે. આ વાતની સવિશેષ નોંધ લઈને અદાણી ફાઉન્ડેશન – મુંદરા દ્વારા આવું કામ કરતી ૧૨ મહિલાઓને સન્માનિત કરવાની પહેલ કરેલ. મહિલાઓમાં બચત કરવાની આવડત જન્મજાત હોય છે પરંતુ જ્યારે તે સંગઠિત થઈને બચત કરે છે, ત્યારે અનેક મહિલાઓને આત્મનિર્ભર બનવે છે. આ વાત શ્રી વિવેકાનંદ મહિલા વિકાસ ફેડરેશન સંભાળતા નિશાબેન ગોગરી વતી ચીફ ઓફિસર વિપુલભાઈ ઠક્કરે કહ્યું કે  અમોએ ૨૦૦૩ માં  બહેનોના પાંચ સ્વસહાય જુથ બનાવીને રોજનો એક રૂપિયો બચત કરવાની મહિને ૩૦ રૂપિયા બચાવી બચત ખાતામાં જમા કરાવતા આજે અમારી સાથે ૩૫૦ બચત મંડળો છે અને ૮  કરોડ રૂપિયા ભંડોળ છે જે ફેડરેશન સાથે જોડાયેલી ૫૦૦૦ જેટલી  મહિલાઓને જરૂરિયાત પ્રમાણે લોન આપવામાં આવે છે. દર મહિને ૮ થી ૨૧ લાખ રૂપિયાની લોન આપીએ છીએ અને લોન ચુકવણી પણ આવે છે. જ્યારે પશુપાલનને પોતીકો વ્યવસાય બનાવી કામ કરતાં સોનલ બહેને કહ્યું કે “ મને માવતરેથી મળેલ એક દેશી નસલની ગાયથી શરૂઆત કરી આજે મારી પાસે ૬૬ દેશી ગાયોની ગૌશાળા ઊભી કરી છે. દરરોજનું ૧૬૫ લીટર દૂધનું વેચાણ કરી પોતાના પગ પર ઊભી છું. મંગરા અને ભોરારા અને રત્નાપર ( મઊ )  જૂથની બહેનો રસાયણિક ખાતરો અને દવાઓનો ત્યાગ કરી ગાય આધારિત ખેતી કરી ભયમુક્ત અને ઝેરમુક્ત ખેતઉત્પાદનો તૈયાર કરે છે. આ બધા ઉદાહરણો સમાજને એક નવી દિશા આપે છે. બીદડાના વર્ષાબેન સુરાણીએ પશુપાલકોએ રાખવાની કાળજીનું સ્વરચિત ગીત રજૂ કરી માર્ગદર્શન પૂરું પાડેલ. હીરબાઈ બેન ગઢવીએ વરસાદી પાણીના સંગ્રહ માટે બહેનોને આગળ આવવા હાકલ કરી હતી.

આ દિવસે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – મુંદરાના સિનિયર વૈજ્ઞાનિક ટાંક સાહેબે જણાવ્યું કે “ મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે આજે ખેતીમાં પણ પોતાનું વિશિષ્ટ યોગદાન દ્વારા ખેતીને ટકાવી રાખવામા અને વધારે સારી રીતે કેમ વૈજ્ઞાનિક અભિગમથી કામ થાય તેમાં બહેનોનો સિંહફાળો છે. ખેતી પશુપાલનના દરેક કામ ખંત અને ઝીણવટભરી દ્રષ્ટિથી કરે છે. ભલોટ ગામે નીકરા પ્રોજેક્ટના પરિણામોની વાત કરતાં કહ્યું કે “ આ સમગ્ર ખેતી-પશુપાલન પર આધારિત કાર્યક્રમમાં બહેનોએ ખૂબ સારું કામ કરી પ્રોજેક્ટને સફળ બનાવ્યો જેના આજે મીઠાફળ આખા ગામને મળી રહ્યા છે.’  આજના  કાર્યક્રમના અધ્યક્ષશ્રી જિલ્લા ખેતીવાડી અધિકારી વાઘેલાસાહેબે “ સરકારની ખેતીની વિવિધ  યોજના તથા પ્રાકૃતિક ખેતી માટેની યોજનાની વાત કરી અને સન્માનિત મહિલાઓની કામગીરીને બિરદાવીને ખેતીવાડી તથા આત્મા અંતર્ગત પણ પસંદ થાય તેવી નેમ વ્યક્ત કરેલ.

અદાણી હાઉસના ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં APSEZના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે “આજે આટલી વિશાળ સંખ્યામાં ખેતી -પશુપાલન સાથે જોડાયેલી નારીશક્તિના દર્શન કરી ધન્ય થયો છું. ખેતી અને પશુપાલન અઘરું હોવા છતાં મહિલાઓની મોટી ભાગીદારીને કારણે સફળતા મળે છે, તેનું આપ સૌ એક ઉત્સાહ પ્રેરક ઉદાહરણ છો. ભવિષ્યમાં આપના દ્વારા થયેલા ખેત-ઉત્પાદનો વિદેશમાં વખણાય તેવા સાથે મળીને પ્રયાસો કરીશું.

મુંદરા અને માંડવી તાલુકાની ૧૨ બહેનો કે જેમણે પરિણામલક્ષી અને પ્રેરણાદાયી કામ કરેલ તે બહેનોનું  મુમેન્ટો અને શાલથી સવિશેષ સન્માન મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ. ઉપસ્થિત રહેલ તમામ બહેનોને મિનરલ મિક્સચર, ગાય આધારિત ખેતી માહિતીનું કેલેન્ડર અને કાપડ ની બેગ ની કીટ આપવામાં આવેલ. સાથે ભોજન લઈને અદાણી પોર્ટ પણ બતાવવામાં આવેલ.

Leave a comment