~ ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવા માટે સંબંધિત મંત્રાલયો અને વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી
~ દવાઓ, ઓક્સિજન પુરવઠો અને એમ્બ્યુલન્સ સેવાઓ તૈયાર રાખવા સૂચના
ચીન સહિત વિવિધ દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. અને કોવિડ-19 સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. એસોસિએશને લોકોને અપીલ કરી છે કે તાત્કાલિક અસરથી દરેક વ્યક્તિએ કોવિડ માર્ગદશિકાનુ યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. લોકોને ફેસમાસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જરૂરી માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.
IMAએ કહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને બ્રાઝિલ જેવા મોટા દેશોમાંથી કોરોનાના લગભગ 5.37 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 145 નવા કેસ નોંધાયા છે. જેમાંથી ચાર કેસ નવા ચાઇના વેરિઅન્ટ – BF.7ના છે. આવી સ્થિતિમાં લોકોએ હવે સાવચેત રહેવું જોઈએ.
વધુમાં IMA એ કહ્યું છે કે ભારતમાં જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યોગ્ય તબીબી નિષ્ણાતો તેમજ સરકાર તરફથી સક્રિય નેતૃત્વ સમર્થન અને પૂરતી દવાઓ અને રસીની ઉપલબ્ધતા સાથે અમે ભૂતકાળની જેમ કોઈપણ પરિસ્થિતિનું સંચાલન કરવા સક્ષમ છીએ.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની અપીલ
- સરકારને 2021 જેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
- ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવા માટે સંબંધિત મંત્રાલયો અને વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
- દવાઓ, ઓક્સિજન પુરવઠો અને એમ્બ્યુલન્સ સેવાઓ તૈયાર રાખવા સૂચના
- ઈન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્ય અને સ્થાનિક શાખાઓને જરૂરી પગલાં લેવા માટે એક એડવાઈઝરી જારી કરી છે.
- પોતપોતાના વિસ્તારોમાં કોવિડ ફાટી નીકળવાના કિસ્સામાં પ્રાથમિક પગલાં લેવા જણાવ્યું.
- IMAએ પણ તેના તમામ સભ્યોને કામ કરવાની અપીલ કરી છે.
- રોગચાળાના સંભવિત પ્રકોપને પહોંચી વળવા માટે પહેલાની જેમ સક્રિય રીતે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગાઈડલાઈન્સ
- (1) ભીડભાડ જગ્યાઓ પર જવાનું ટાળો
- (2) બિનજરુરી પ્રવાસ ટાળવો
- (3) લગ્ન પ્રસંગ પણ શક્ય હોય તો ટાળવા
- (4) જાહેર સ્થળોએ માસ્ક અચૂક પહેરો
- (5) સેનિટાઈઝરનો ઉપયોગ કરો
- (6) સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી
- (7) સાબુ- પાણી અથવા સેનિટાઇઝર્સથી હાથ ધોવા
- (8) આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવો
- (9) તાવ, ગળામાં દુઃખાવો, ઉધરસ, ઝાડા વગેરે જેવા લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ લો
- (10) વહેલી તકે બૂસ્ટર ડોઝ સહિત તમારી બાકી રસી લઈ લો
IMAએ કહ્યું છે કે હાલમાં સ્થિતિ ચિંતાજનક નથી તેથી ગભરાવાની જરૂર નથી. ઉપચાર દ્વારા અટકાવી શકાય છે. તેથી દરેકને સલાહ આપવામાં આવે છે કે તે વાયરસને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકાનું પાલન કરે.
