અદાણી મેડિકલ કોલેજ ખાતે એપોલો હોસ્પિટલ અમદાવાદ અને નેશનલ મેડિકલ અકાદમી ઓફ સાયન્સના ઉપક્રમે રાજ્યક્ક્ષાની ચિકિત્સા કોન્ફરન્સ યોજાઈ

~ મેડિકલ કોલેજમાં આયોજિત સી.એમ.ઈ. સેમિનારમાં પેનલના તબીબોનો પરામર્શ

~ કોરોના પછી બિનચેપી રોગો ઉપર અસર

અદાણી મેડિકલ કોલેજમાં ગેઇમ્સ, નેશનલ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ અને અમદાવાદની એપોલો હોસ્પિટલના ઉપક્રમે યોજાયેલા રાજ્યકક્ષાના સી.એમ.ઇ. સેમિનારમાં વિવિધ તબીબી શાખા ઉપર તજજ્ઞોના વિચાર વિમર્શના અંતે કરછમાં કોરોનાની બિનચેપી (એનસીડી) રોગો ઉપર અસર થઈ હોવાનું પેનલના તબીબોએ નોંધ્યું હતું.

કોરોના પછી બિનચેપી રોગોની અસર હેઠળ હ્રદયરોગ અને ન્યુરોલોજી અંતર્ગત થયેલી અસરને ધ્યાનમાં રાખી, જી.કે.માં બિનચેપીરોગ વિભાગને વધુ અસરકારક બનાવાશે.

ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ સહિતના એક્સપર્ટ દ્વારા આ અંગે કરેલી ચર્ચાના અંતે અપોલો સિબિસિસી હોસ્પિટલના મેડિકલ સર્વિસિસના ગ્રુપ હેડ ડો.વેલું નાયર પેનલના તબીબો સાથે સહમત થઈ, કોરોનાની વિવિધ ક્ષેત્રે થયેલી અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

બીજા દિવસે પણ થયેલી ગહન ચર્ચામાં ભુજની કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મીત ઠક્કરે હાર્ટ એટેક અને જાગૃતિ ઉપર, ડીવાઇન લાઇફ હોસ્પિટલ ભુજના કંસલટન્ટ ડૉ.ગૌરવ શાહ ઉપરાંત એપોલો હોસ્પિટલના ઇમરજન્સી હેડ ડો.સંજય શાહ, એપોલોના ક્રીટીકલ કેર  નિષ્ણાંત ડો. મહર્ષિ દેસાઈ અને સિમ્સ હોસ્પિટલના ઝોનલ હેડ હર્ષિલ મહેતા તથા એપોલો હોસ્પિટલના બોનમેરો નિષ્ણાંત ડૉ.વિજયકુમાર શિરુરે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

જી.કે.ના મેડીસીન વિભાગના હેડ ડૉ. જયેશ ત્રિવેદીએ ડાયાબિટીસ અંગે માર્ગદર્શન આપતા કહ્યું કે, વિશ્વમાં આ રોગનું પ્રમાણ વધુ છે.ભારતમાં પણ ઝડપથી પ્રસરી રહ્યું હોવાનું જણાવી તેમણે ડાયાબિટીસના લક્ષણ, સારવારની માહિતી આપી ઉમેર્યું કે હવે ભારતમાં પણ અમેરિકાની તર્જ ઉપર સારવાર શરુ થઈ છે.

આ પ્રસંગે ડો બાલાજી પિલ્લાઈ, મેડિકલ કોલેજના ડીન ડો.એ.એન.ઘોષ, હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. ડૉ.નરેન્દ્ર હિરાણી તેમજ હોસ્પિટલના ઑર્થો વિભાગના હેડ ડો.ઋષિ સોલંકીએ તજજ્ઞોનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કર્યું હતું.  સેમિનારને સફળ બનાવવા જી.કે.ના એડમીન, સિક્યુરિટી, યુજીસીના સ્ટુડન્ટ્સ સહિતનાઓનું યોગદાન બિરદાવાયું હતું.કાર્યક્રમનું સંચાલન ડો.મોનાલી જાની એ કર્યું હતું.

Leave a comment