~ વડાપ્રધાન મોદીએ પરમાણુ શસ્ત્રના ઉપયોગ અંગે જે ચિંતા વ્યક્ત કરી તેની રશિયા પર ગંભીર અસર પડી હતી
યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન અમેરિકાની અંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સીઆઇએના ડાયરેક્ટર બિલ બીનર્સે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન મોદીએ પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી, જેથી રશિયા ઉપર ઊંડી છાપ પડી, તેથી પરમાણુ શસ્ત્રોનો તેણે ઉપયોગ કર્યો નહીં, પરિણામે વિશ્વ મહાન તબાહીમાંથી બચી ગયું છે.
સીઆઇએ ચીફનું આ કથન, રશિયાએ પરમાણુ-શસ્ત્ર પ્રયોગની આડકતરી ધમકી આપ્યા પછી આવ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે ૨૪ ફેબુ્રઆરીથી યુદ્ધ ચાલે છે. બંને દેશો એકબીજાને તબાહ કરવા ઝનૂનથી લડી રહ્યાં છે. રશિયાના મિસાઇલ હુમલાઓથી યુક્રેનનાં અનેક શહેરો ખંડેર બની ગયાં છે. હજ્જારો નિર્દોષોના જાન ગયા છે. અસંખ્ય લોકો બે-ઘર બની ગયા છે, છતાં યુક્રેન મચક ન આપતાં રશિયાએ ઘૂંઘવાઈને પરમાણુ શસ્ત્ર પ્રયોગની ધમકી આપી દેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ પુતિન સાથે કરેલી વાતચીતનો ઊંડો પ્રભાવ પડયો તેથી તેણે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ નિવાર્યો છે.
બિલ બર્ન્સે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એવું પણ બની શકે કે રશિયાએ પરમાણુ શસ્ત્ર પ્રયોગની ધમકી સૌને ડરાવવા માટે પણ કરી હોય અત્યારે તો તે પ્રકારની તૈયારી કરતા હોય તેવું લાગતું નથી.
વાસ્તવમાં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી જ ભારત મંત્રણા અને રાજદ્વારી ઉકેલની વાત કરી રહ્યું હતું. ૧૬મી ડિસેમ્બરે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલીફોન ઉપર કરેલી વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે યુદ્ધનો એકમાત્ર ઉકેલ મંત્રણા છે તેમ કહ્યું હતું તેટલું જ નહીં પરંતુ સપ્ટેમ્બરમાં શાંધાઈ-સહકાર-સંગઠન (એસ.સી.ઓ.)ની સમિટમાં મોદીએ પુતિનને કહ્યું હતું કે, આ યુગ યુદ્ધનો યુગ નથી ત્યારે પુતિને મોદીને કહ્યું હતું કે, યુક્રેન સંઘર્ષ અંગે હું તમારૃં મંતવ્ય જાણવા માગું છું. હું તમારી ચિંતાઓ વિષે પણ જાણવા માગું છું. હું ઇચ્છું છું કે આ યુદ્ધ વહેલામાં વહેલી તકે પૂરૃં થઈ જાય.
નિરીક્ષકો જણાવે છે કે જો ખરેખર રશિયા પરમાણુ શસ્ત્રનો પ્રયોગ કરે તો અમેરિકા અને પરમાણુ શસ્ત્ર ધરાવતા તેના સાથી દેશો પણ પરમાણુ શસ્ત્ર પ્રયોગ તરફ વળે જ. રશિયા સાથે ઉત્તર કોરિયા અને ચીન પણ જોડાય. વિશ્વ ઉપર મૃત્યુનો ભયંકર ઓથાર છવાઈ રહે જેને જે માનવું હોય તે માને પરંતુ મોદીના પ્રયાસોથી અત્યારે તો વિશ્વ મહાવિનાશમાંથી બચી જ ગયું છે, તે નિર્વિવાદ છે.
