~ એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં અદાજે ૩૦ ટકા અને જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં ૨૧ ટકાનો વધારો જોવાયો
એક તરફ દેશના અને દુનિયાના અર્થતંત્રને મંદીનું ગ્રહણ નડી રહ્યું હોવાની બૂમરાણ મચી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતના આવકવેરા વિભાગની ડિસેમ્બર ૨૦૨૨ની ૧૫મી સુધીમાં ભરવાના થતાં એડવાન્સ ટેક્સની આવકમાં ૨૦ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર ૨૦૨૧ની ૧૫મીએ ગુજરાતમાં એડવાન્સ ટેક્સની આવક રૂ. ૧૭૯૮૯ કરોડની આવક થઈ હતી. તેની સામે ડિસેમ્બર ૧૫, ૨૦૨૨ સુધીમાં એડવાન્સ ટેક્સની આવક રૂ. ૨૧,૬૦૭ કરોડની થઈ છે.
એડવાન્સ ટેક્સના કલેક્શનની બાબતમાં ગુજરાતનું પરફોર્મન્સ દેશના અન્ય રાજ્ય કરતાં પણ ઘણું જ સારુ રહ્યું હોવાનું આવકવેરા ખાતાના ગુજરાતના સૂત્રોનું કહેવું છે. માર્ચ ૨૦૨૩ના જમા કરાવવાના થતાં એડવાન્સ ટેક્સના છેલ્લા હપ્તા પછી ગુજરાતની એડવાન્સ ટેક્સની આવક ઘણી વધારે થવાની ધારણા છે.
બીજીતરફ ગુજરાત સતત વિકસી રહેલું રાજ્ય હોવાથી તેના આર્થિક વહેવારો વધી રહ્યા છે. તેથી ગુજરાતની આવકવેરાની આવક પણ વધે છે. પરિણામે ૨૦૨૧-૨૨ના વષમાંે ગુજરાતમાંથી આવકવેરાની કુલ આવક રૃા. ૭૦,૩૯૩ કરોડની આવક થઈ હતી. જોકે ૨૦૨૧-૨૨ના વર્ષમાં રૃા. ૬૧,૬૦૦ કરોડની આવકનું ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું હતું. આ ટાર્ગેટની તુલનાએ અંદાજે ૧૬.૫ ટકા જેટલી વધુ આવક થઈ હતી. ૨૦૨૨-૨૩ના નાણાંકીય વર્ષને અંતે રૃા. ૮૪,૦૦૦ કરોડની ટેક્સની આવક કરવાનું ગુજરાતને ટાર્ગેટ આપવામાં આવ્યું છે. જે ગુજરાતમાં ૨૦૨૧-૨૨માં થયેલી રૃા. ૭૦,૩૯૩ કરોડની આવકથી ૧૯થી ૨૦ ટકા ઊંચો છે. આ ટાર્ગેટને પણ સંભવતઃ ગુજરાત પાર કરી જશે તેમ માનવામાં આવે છે. ડિસેમ્બર ૧૪ સુધીમાં ગુજરાતની આવકવેરાની આવક રૃા. ૪૮,૦૦૦ કરોડથી વધી ગઈ છે.
બીજીતરફ ટીડીએસ-ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ થકી અત્યાર સુધીમાં ગુજરાતની આવક રૃા. ૨૯૦૦૦ કરોડની થઈ છે. ગુજરાતના આવકવેરા વિભાગની આવકમાંથી રિફંડની આવક વર્ષને અંતે બાદ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રિફંડ પેટે રૃા. ૧૧૦૦૦ કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે. આગામી મહિનાઓમાં રિફંડનું ચૂકવણું વધી જશે. છેલ્લા ત્રિમાસિક ગાળામાં પણ આવકવેરાની આવકમાં ખાસ્સો વધારો થવાની ધારણા છે.
ટોપ ૧૫ એડવાન્સ ટેક્સ પેયર્સની સીબીડીટીએ યાદી મંગાવી
એડવાન્સ ટેક્સની દરેક રાજ્યને થયેલી આવકની સાથે સાથે જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે દરેક રાજ્યને તેમના રાજ્યના ટોપ ૧૫ એડવાન્સ ટેક્સ પેયર્સની યાદી રજૂ કરવાની સૂચના પણ આપી છે. ગુજરાતમાં પણ ટોપ ૧૫ એડવાન્સ ટેક્સ પેયર્સની યાદી ૧૯મી ડિસેમ્બર સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે.
