કચ્છની તમામ છ બેઠક પર કેસરિયો છવાયો

~ 2017માં અહીં કૉંગ્રેસને બે બેઠક મળી હતી તે પણ જાળવી ન શકી

કચ્છ જિલ્લાની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર બેઠકના 55 ઉમેદવારોના ભાવિનો પણ ફેંસલો થશે. તમામ છ બેઠકો પર બપોર સુધીમાં હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે. મતગણતરીને લઈ કેન્દ્ર પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.

ગાંધીધામમાં EVMના સીલને લઈ કૉંગ્રેસના ઉમેદવારનો હોબાળો
કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકી દ્વારા આજે ભુજ ખાતે ચાલી રહેલી મતગણતરી દરમ્યાન તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે નારાજગી દર્શાવી કેન્દ્રની અંદર ધરણાં શરૂ કરી દીધા છે. ઘટનાનું કારણ રાઉન્ડ 5 દરમ્યાન એક ઇવીએમ મશીનનું સીલ તૂટેલી હાલતમાં જોવા મળતા ઉમેદવારે વાંધો જાહેર કર્યો છે. એટલું જ નહી ઇવીએમ સાથે ચેડાં થયા હોવાના ગંભીર આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવી પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાના પગલે બંદોબસ્તમાં રહેલી પોલીસે તેમને અટકાવ્યા હતા.

કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે?
ભુજની સરકારી એન્જિનિયરીંગ કોલેજના સિવિલ એન્ડ એપ્લાયડ મિકેનિકલ બિલ્ડિંગમાં જિલ્લાની 6 બેઠકોની 8 તારીખે સવારે 8 વાગ્યાથી મત ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. જે તે બેઠક દીઠ 14 ટેબલ ગોઠવવામાં આવશે એટલે કે, એકસાથે 14 ઇવીએમ ખુલશે અને 14 ઇવીએમનો એક રાઉન્ડ એમ જિલ્લાના 1861 બૂથ પર પડેલા 9,79,148 મતો પૈકી કયા હરીફ ઉમેદવારને કેટલા મતો મળ્યા તેની ગણતરી 132 રાઉન્ડમાં આટોપવામાં આવશે. ટેબલ દીઠ જે તે બેઠકના હરીફ ઉમેદવારના એજન્ટો પણ હાજર રહેશે.

જિલ્લાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો હતા મેદાનમાં?
અબડાસા
અબડાસા બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતના 10 ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમાં કેદ થયેલું છે જેનો આજે ફેંસલો થશે. અહીં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા, કૉંગ્રેસના મામદભાઈ જંગ જત અને આપના વસંત ખેતાણી વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. પરંતુ, મતદાન પહેલા જ આમ આદમી પાર્ટીના વસંત ખેતાણીએ ભાજપના ઉમેદવારને પોતાનો ટેકો જાહેર કરતા આમ આદમી પાર્ટીને અહીં જોરદાર ફટકો પડ્યો હતો. આ બેઠક પર 2017માં કૉંગ્રેસમાંથી ચૂંટણી લડેલા પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ હતી. જો કે, તેમને કૉંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે તેમને જ ટિકિટ આપી હતી અને તે વિજેતા પણ થયા હતા. 2022માં પણ ભાજપે તેમને જ રિપિટ કર્યા હતા.

માંડવી
માંડવી બેઠક પર કુલ 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. અહીં ભાજપના સીટીંગ MLA વિરેન્દ્રસિંહ જાડેજાના સ્થાને ભાજપે અનિરુદ્ધ દવેને ટિકિટ આપી છે. વિરેન્દ્રસિંહ જાડેજાની બેઠક બદલાવી પાર્ટીએ રાપર બેઠક પર ટિકિટ આપી છે. માંડવી બેઠક પર કૉંગ્રેસે રાજેન્દ્રસિંહ જાડેજાને અને આમ આદમી પાર્ટીએ કૈલાસ ગઢવીને મેદાને ઉતાર્યા હતા.

ભુજ
કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સીટીંગ MLAએ નીમાબેન આચાર્યની જગ્યાએ કેશવલાલ પટેલને મેદાને ઉતાર્યા છે. કૉંગ્રેસે અરજણભાઈ ભૂડિયાને અને આમ આદમી પાર્ટીએ રાજેશ પંડોરિયાને મેદાનમાં ઉતાર્યા હતા. ભુજ બેઠક પર છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.

અંજાર
અંજાર બેઠક પર કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. અહીં ભાજપે સીટીંગ MLA વાસણભાઈ આહીરની ટિકિટ કાપી તેમના સ્થાને ત્રિકમ છાંગાને મેદાને ઉતાર્યા હતા. તો કૉંગ્રેસે રમેશ ડાંગર અને આમ આદમી પાર્ટીએ અરજણ રબારીને ટિકિટ આપી હતી. અહીં ભાજપના ઉમેદવાર છેલ્લી ત્રણ ચૂંટણીમાં જીત મેળવતા આવ્યા છે.

ગાંધીધામ
ગાંધીધામ કચ્છ જિલ્લાની SC અનામત બેઠક છે. 2022ના ચૂંટણી જંગમાં અહીં 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. અહીં ભાજપે સીટીંગ MLA માલતી મહેશ્વરીને રિપિટ કર્યા હતા. તો કૉંગ્રેસે અહીંથી ભારત સોલંકી અને આમ આદમી પાર્ટીએ બી.ટી,મહેશ્વરની મેદાને ઉતાર્યા હતા.

રાપર
રાપર બેઠકના ચૂંટણી જંગમાં કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા. 2017માં અહીં ભાજપના પંકજ મહેતા સામે કૉંગ્રેસના સંતોકબેન અરેઠિયાનો વિજય થયો હતો. 2022ના જંગમાં ભાજપે અહીં માંડવી બેઠકના સીટીંગ MLA વિરેન્દ્રસિંહ જાડેજાની બેઠક બદલી માંડવી બેઠક પર ટિકિટ આપી હતી. તો કૉંગ્રેસે અહીં સીટીંગ MLA સંતોકબેન અરેઠિયાના પતિ બચુભાઈ અરેઠિયાને અને આમ આદમી પાર્ટીએ અંબાભાઈ પટેલને મેદાને ઉતાર્યા હતા.

કચ્છ જિલ્લાની 6 બેઠકોની 2017ની સ્થિતિ
2017 વિધાનસભા ચૂંટણીમાં કચ્છ જિલ્લાની 6 બેઠકની વાત કરીએ તો, અહીં ભાજપનો હાથ ઉપર રહ્યો હતો. 6માંથી 4 બેઠકો ભાજપ જીતવામાં સફળ રહી હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 2 બેઠક ગઈ હતી. જો કે, અબડાસા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કૉંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ટિકિટ પર પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ હતી.

Leave a comment