અમેરિકા સાથેના વધતા તણાવ વચ્ચે શી જિનપિંગ લેશે સાઉદી અરેબિયાની મુલાકાત

~ શી જિનપિંગ સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન ચીન-અરબ સમિટમાં ભાગ લેશે

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુરૂવારના રોજ સાઉદી અરેબિયા પહોંચવાના છે. જો કે આ સમાચાર સામાન્ય લાગે છે કે કોઈ રાજ્યના વડા પરસ્પર સંબંધોને મજબૂત કરવા માટે અન્ય દેશોમાં જાય છે પરંતુ વર્તમાન સંદર્ભમાં જિનપિંગની સાઉદી અરેબિયાની મુલાકાત મહત્વપૂર્ણ છે. તેઓ એવા સમયે સાઉદી અરેબિયા જઈ રહ્યા છે જ્યારે અમેરિકા સાથે તેના સંબંધો સારા નથી. છેલ્લા 80 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે સાઉદી અરેબિયાએ અમેરિકાને આંખ બતાવી છે. ત્યારે અમેરિકા સાથે ચીનના સંબંધો પણ નીચા સ્તરે છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ આ તણાવ વધ્યો છે કારણ કે ચીને વ્લાદિમીર પુતિન સરકારને સમર્થન આપ્યું છે. મળતી માહિતી મુજબ શી જિનપિંગ સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન ચીન-અરબ સમિટમાં ભાગ લેશે. આ સિવાય તેઓ ચીન-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના કોન્ફરન્સમાં પણ ભાગ લેશે.   

મહત્વની વાત એ છે કે કોઓપરેશન કાઉન્સિલ હેઠળ આ સંમેલનમાં આરબ અને ગલ્ફ દેશોના 14 ટોચના નેતાઓ ભાગ લેશે. આના પરથી સમજી શકાય છે કે ચીન કેવી રીતે આરબ અને ગલ્ફ દેશોમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઐતિહાસિક રીતે આ દેશો સાથે ચીનના સંબંધો બહુ સારા નથી રહ્યા, જ્યારે સાઉદી અરેબિયા લાંબા સમયથી અમેરિકાનું સહયોગી રહ્યું છે. પરંતુ સાઉદી અરેબિયા અને રશિયાના ઓઈલ ઉત્પાદનમાં કાપના નિર્ણયથી અમેરિકા નારાજ થઈ ગયું હતું. ખાસ કરીને મિત્ર કહેવાતા સાઉદી અરેબિયાના હઠીલા વલણ પર અમેરિકાએ તેની સાથે પોતાના સંબંધોની સમીક્ષા કરવાની વાત પણ કરી હતી. 

શી જિનપિંગની મુલાકાતથી મોટી ઉથલપાથલ થશે

આથી શી જિનપિંગની આ મુલાકાત વૈશ્વિક રાજકારણના સમીકરણોમાં મોટો બદલાવ લાવી શકે છે. એક આરબ રાજદ્વારીએ કહ્યું હતું કે શી જિનપિંગની મુલાકાત સીમાચિહ્નરૂપ સાબિત થશે. શી જિનપિંગની સાઉદી અરેબિયાની મુલાકાત વિશે મહિનાઓથી ચર્ચા ચાલી રહી હતી પરંતુ અત્યાર સુધી સાઉદી અરેબિયા કે ચીન દ્વારા તેની પુષ્ટિ નહોતી થઈ. હવે બન્ને સરકારોએ તેની જાણકારી આપી છે. ગુરૂવારના રોજ શી જિનપિંગ બે દિવસની મુલાકાતે સાઉદી અરેબિયા પહોંચશે. 

અમેરિકા અરબમાં સૈન્ય ઘટાડશે

તમને જણાવી દઈએ કે, ઓઈલ ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય સાઉદી અરેબિયા અને રશિયાએ લીધો છે. અમેરિકાએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ સાઉદી અરેબિયાએ રશિયાને ટેકો આપ્યો હતો અને આ નિર્ણયને આગળ વધાર્યો હતો. ત્યારબાદ અમેરિકાએ તેની સાથે સંબંધોની સમીક્ષા કરવાની વાત કરી હતી. એવું માનવા માં આવે છે કે અમેરિકા અરબ ક્ષેત્રમાંથી પોતાની સેના ઓછી કરી શકે છે. જો આવું થશે તો સાઉદી અરેબિયાની સામે ઈરાનની સેના અને યમનના બળવાખોરોને હુમલો થવાનું જોખમ રહેશે, જેનાથી અમેરિકા સુરક્ષા આપવાનો દાવો કરતું રહ્યું છે. 

Leave a comment