~ ઓક્ટોબર કરતાં 5851 કરોડ ઓછું
~ ઑક્ટોબરમાં કેન્દ્રને રૂ. 1.52 લાખ કરોડની આવક થઈ હતી, નવેમ્બર 2021ની સરખામણીમાં કેન્દ્રની આવક 11 ટકા વધી
દેશમાં તહેવારોની મોસમ પછીના સમયમાં સરકારની આવકમાં ઘટાડો થયો છે. નવેમ્બરમાં સરકારને જીએસટીની આવક રૂ. ૧.૪૬ લાખ કરોડ થઈ હતી, જે ઑક્ટોબર ૨૦૨૨ની સરખામણીમાં રૂ. ૫,૮૫૧ કરોડનો ઘટાડો દર્શાવે છે. જોકે, ગયા વર્ષે નવેમ્બરની સરખામણીમાં કેન્દ્રની આવકમાં ૧૧ ટકાનો વધારો થયો છે. વધુમાં કેન્દ્રને સતત ૯મા મહિને જીએસટીની આવક ૧.૪૦ લાખ કરોડથી વધુ થઈ છે.
કેન્દ્ર સરકારને નવેમ્બર મહિનામાં જીએસટીની આવક રૂ. ૧,૪૬,૮૬૭ કરોડ થઈ હતી, જે ઑક્ટોબરમાં રૂ. ૧.૫૨ લાખ કરોડની સરખામણીમાં ઓછી છે. જોકે, આવકમાં ઘટાડાનું એક મોટું કારણ તહેવારોની મોસમ પૂરી થવાનું છે. ઑક્ટોબરમાં તહેવારોની મોસમના કારણે સરકારને બીજા ક્રમની સૌથી વધુ આવક થઈ હતી. આ પહેલાં એપ્રિલ ૨૦૨૨માં સરકારને રૂ. ૧.૬૮ લાખ કરોડની આવક થઈ હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ આવક છે.
નાણામંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવેમ્બર ૨૦૨૨ દરમિયાન કેન્દ્રને સીજીએસટી મદમાં રૂ. ૨૫,૬૮૧ મળ્યા હતા જ્યારે એસજીએસટી મદમાં રૂ. ૩૨,૬૫૧ કરોડ અને આઈજીએસટી મદમાં રૂ. ૭૭,૧૦૩ કરોડ મળ્યા હતા. આઈજીએસટી મદમાં રૂ. ૩૮,૬૩૫ કરોડની આવક આયાતી સામાનો પર કરની વસૂલાત તરીકે થઈ હતી. આ મહિને સેસના મદમાં રૂ. ૧૦,૪૩૩ કરોડની આવક થઈ છે, જેમાંથી ૮૧૭ કરોડ રૂપિયાની સેસ આયાતીત સામાનો પર મળી હતી. કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૨૨ દરમિયાન રેગ્યુલર સેટલમેન્ટના રૂપમાં આઈજીએસટીમાંથી રૂ. ૩૩,૯૯૭ કરોડ રૂપિયા સીજીએસટી મદમાં ટ્રાન્સફર કર્યા હતા. આઈજીએસટીમાંથી જ રૂ. ૨૮,૫૩૮ કરોડ રૂપિયા એસજીએસટી મદમાં ટ્રાન્સફર કરાયા હતા. રેગ્યુલર સેટલમેન્ટ પછી આ મહિને કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સીજીએસટીમાં રૂ. ૫૯,૬૭૮ કરોડ રહી જ્યારે એસજીએસટીનો હિસ્સો રૂ. ૬૧,૧૮૯ કરોડ રહ્યો. આ સિવાય કેન્દ્ર સરકારે આ મહિને જીએસટી કમ્પેનશેસનના રૂપમાં રૂ. ૧૭,૦૦૦ કરોડ રિલીઝ કર્યા હતા. કેન્દ્રીય નાણામંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ ટેક્સ ચોરી રોકવા જે ઉપાયો પર અમલ કરાયો છે, તેની અસર દેખાવા લાગી છે. તેથી જ ગયા મહિને પણ જીએસટી કલેક્શન રૂ. ૧.૪૫ લાખ કરોડથી વધુ રહ્યું હતું.
સરકારને જીએસટીની આવક
| એપ્રિલ | રૂ. ૧.૬૮ લાખ કરોડ |
| મે | રૂ. ૧.૪૧ લાખ કરોડ, |
| જૂન | રૂ. ૧.૪૫ લાખ કરોડ |
| જુલાઈ | રૂ. ૧.૪૯ લાખ કરોડ |
| ઑગસ્ટ | રૂ. ૧.૪૪ લાખ કરોડ |
| સપ્ટેમ્બર | રૂ. ૧.૪૮ લાખ કરોડ |
| ઑક્ટોબર | રૂ. ૧.૫૨ લાખ કરોડ |
| નવેમ્બર | રૂ. ૧.૪૬ લાખ કરોડ |
