ચીનની સરહદની નજીક સરહદથી માત્ર ૧૦૦ કી.મી. દૂર ભારત અમેરિકાનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે. તેનું નામ જ યુદ્ધ અભ્યાસ અપાયું છે. આ તેની ૧૮મી આવૃત્તિ છે. આથી ચીન ગુસ્સે થયું છે. ચીને બુધવારે કહ્યું કે એલએસી કે સરહદ બંને નજીક કરાતા આ યુદ્ધ અભ્યાસો ભારત અને ચીન વચ્ચેની સરહદી સમજૂતીના ભંગ સમાન છે. પરંતુ આ યુદ્ધ અભ્યાસનો હેતુ શાંતિ સ્થાપના અને આપત્તિ સમયે રાહત કાર્યો માટે બંને સૈન્યો પોતાની ક્ષમતાની આપ લે કરનાર છે.
જો કે આવું તો પહેલીવાર જ બન્યું છે કે જ્યારે અમેરિકા અને ભારત ચીન સાથેની સરહદથી આટલો નજીક યુદ્ધાભ્યાસ કરી રહ્યાં હોય.
આ અંગે ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ બીજીયને એક મીડીયા બ્રીફીંગમાં કહ્યું હતું કે ચીન-ભારત વચ્ચે થયેલી ભાવનાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે ૨૦૨૦માં પૂર્વ લડાખમાં ચીને પોતાના સૈનિકોની સંખ્યા વધારી હતી ત્યારે ભારતે તે સમજૂતીનો ઉલ્લેખ કરી તેને દ્વીપક્ષીય સમજૂતીનાં ઉલ્લંઘન સમાન ગણાવ્યું હતું.
અમેરિકા અને ભારતનાં સૈન્યો વચ્ચે ટેકનિક અને રણનીતિની આપ-લે માટે દર વર્ષે યુદ્ધભ્યાસ કરાય છે.
ભારતીય સેનાએ ૧૯ નવેમ્બરે ટ્વિટ પર જણાવ્યું હતું કે ભારત-અમેરિકા સંયુક્ત યુદ્ધભ્યાસથી ૧૮મી આવૃત્તિ આજથી ઔલીમાં શરૂ થઇ છે તેનો ઉદ્દેશ શાંતિ સ્થાપના અને આપત્તિ સમયે સહાયભૂત થવાની તાલિમ સતેજ કરવાનો છે.
આ પૂર્વે ૨૦૨૧માં અમેરિકાનાં આલાસ્કામાં આવો સંયુક્ત યુદ્ધ અભ્યાસ યોજાયો હતો.
