~ 9938 અધિકારીઓ, કર્મચારીઓ કામે લાગ્યા, આજે 1860 બૂથ ઉપર મતદાન સ્ટાફ કબજો લેશે
1 ડિસેમ્બરે, ગુરૂવારે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઇ રહી છે તેમાં કચ્છની છ બેઠક અબડાસા, માંડવી, ભુજ, અંજાર, રાપર અને ગાંધીધામનો પણ સમાવેશ થાય છે. લોકશાહીના પર્વસમાન યજ્ઞ માટે રાજકીય જાહેર પ્રચાર પ્રસાર બંધ થયા છે અને હવે સમગ્ર કામગીરી વહીવટી તંત્રના હાથમાં આવી ગઇ છે. મતદાતાઓને કોઇ મુશ્કેલી ન પડે અને શાંતિપૂર્ણ મતદાન થાય તેના માટે તંત્ર સજ્જ બન્યું છે અને લોકશાહીના હવનમાં કચ્છના 16,34, 674 મતદારો મતરૂપી આહુતિ આપશે.
મંગળવારે સાંજે 5 વાગ્યા સુધી વિવિધ મત વિસ્તારમાં જાહેરસભા, બાઇક રેલી સહિતનો પ્રચાર થયા બાદ પડઘમ શાંત થયા હતા. ત્યારબાદ આંતરિક રાજકારણ ડોર ટુ ડોર અને સોશિયલ મીડિયા આધારિત શરુ થયું હતું. ખાસ કરીને મંગળવારે ઉમેદવારો અને પક્ષના હોદ્દેદારો, કાર્યકરોએ મતદારોને મળ્યા બાદ બુધવારની રાત્રિ રાજકીય કતલની રાત સમાન રહે તેમ છે. વધુને વધુ પોતાના સમર્થનમાં મત મળે તેના માટેના પ્રયાસો થશે.
બીજી બાજુ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ બની ચૂક્યું છે. મંગળવારે કેટલાક પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના અધિકારીઓને કામગીરીની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે 30મી નવેમ્બરે સવારથી પોલિંગ, મહિલા પોલિંગ, પટ્ટાવાળા તથા બંદોબસ્ત સહિતની કામગીરી કરીને કર્મચારીઓને બૂથ ફાળવીને વિવિધ વાહનોમાં મોકલવામાં આવશે. બુધવારે સાંજ સુધી 9938 અધિકારીઓ, કર્મચારીઓ છ બેઠકના તમામ 1860 મતદાન મથકો ઉપર ચૂંટણી તંત્રનો સ્ટાફ પોતાની જવાબદારી સંભાળી લેશે.
ગેસ્ટહાઉસો ફુલ થયા, ઉચ્ચ અધિકારીઓ ઓબ્ઝવર્સ તરીકે આવ્યા
જિલ્લામાં તમામ સરકાર સંલગ્ન ગેસ્ટહાઉસો ફુલ થઈ ગયા હોવાનું જાણવા મળે છે, ઉચ્ચ અધિકારીઓ ઓબ્ઝર્વર્સ તરીકે આવતા આઈઆરએસ, આઈઆરટીએસ અને આઈપીએસ રેંક ધરાવતા અન્ય જિલ્લા અને રાજ્યના અધિકારીઓએ પણ આવી પહોંચીને પોતાની જવાબદારીનો ચાર્જ સંભાળ્યો હતો. ગાંધીધામમાં મોડી સાંજ બાદ વધતી સરકારી ગતિવિધિને જોઇ નગરજનોમાં ચર્ચા ઉઠી હતી.
કચ્છમાં વિધાનસભાની ચૂંટણી આંકડાના આયનામાં
1. કુલ મતદારો 16,34, 674
2. પુરૂષ મતદાર : 8,44,488, મહિલા : 7,90,174, અન્ય 12
3. મતપ્રક્રિયામાં સીધા રીતે રોકાયેલો સ્ટાફ : 2786
3. એસ.ટી. બસ 200
4. ખાનગી વાહનો કુલ 500
5. સરકારી ખાસ કામગીરી માટે 250 વાહનો
6. મતમશીન સહિતના સાધનો માટે બંધ બોડીવાળા 12 વાહનો
7. ફ્લાઇંગ સ્કવોડ માટે 50 વાહન
8. પોલીસ કર્મચારી અને હોમગાર્ડઝ : 6550
9. અર્ધલશ્કરી દળના જવાનો : 1000
સારા મતદાનની અપીલ : કાયદો વ્યવસ્થા માટે તંત્ર સજ્જ
1 ડિસેમ્બરના કચ્છની છ બેઠક માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં જિલ્લાના તમામ મતદારો સારું મતદાન કરે એવો અનુરોધ છે. મતદારોને સમસ્યા ન થાય અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થાય તેના માટે કાયદો અને વ્યવસ્થાના તમામ પાસા ચકાસી લેવામાં આવ્યા છે અને જિલ્લા તંત્ર તમામ સ્તરે સજ્જ છે. – દિલિપકુમાર રાણા, જિલ્લા ચૂંટણી અધિકારી, કચ્છ
માંડવી, મુન્દ્રા તાલુકાના પ્રિસાઇડિંગ અને પોલિંગ અધિકારીઓ ફરજ માટે રવાના
માંડવી અને મુન્દ્રા તાલુકાના તાલીમબધ્ધ 613 જેટલા પ્રિસાઇડિંગ અને પોલિંગ અધિકારી સ્થાનિક સિવાયની વિધાનસભા બેઠક પર ફરજ બજાવવા માટે રવાના થયા હતા. ચૂંટણી ફરજ પર મુકાતા અધિકારીઓને પોતાના વિસ્તારમાં ન મૂકવાનો નિયમ હોતાં અન્ય વિધાનસભા બેઠકની ફરજ સોંપવામાં આવે છે જેને પગલે તેમને ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર અને અબડાસા બેઠક માટે ફરજ સોંપાતાં મંગળવારે બપોરે માંડવી મરિન સાયન્સ કોલેજથી એસટી બસ મારફતે નિયત સ્થળે પહોંચવા રવાના થયા હતા.
અંજાર બેઠક માટે 67, અબડાસા 179, રાપર 127, ભુજ 120, ગાંધીધામ 120 સહિત 613 જેટલા કર્મચારીઓને પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા હતા. દરમિયાન માંડવીની પોસ્ટ ઓફિસ, સિટી સર્વે કચેરી, સબરજીસ્ટ્રાર અને પાણી પુરવઠા કચેરી ચૂંટણીને લઇને તા. 2/12 સુધી બંધ રહેશે તેમ જાણવા મળ્યું હતું.
રાપરમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ, તંત્ર બન્યું વ્યસ્ત
રાપર ખાતે વિધાનસભાની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. વિધાનસભા બેઠક માટે થનારા મતદાનના 293 બુથ અને 29 રૂટ ઉપર એક ડીવાએસપી સાથે ચાર પીઆઇ અને 15 પીએસઆઈ, બીએસએફની 6 કંપની, 283 પોલીસ સ્ટાફ સાથે 379 જીઆરડી અને હોમગાર્ડ જવાનોને વિવિધ બુથો ફરજ માટે ફાળવાયા હતાં. ઈવીએમ અને પોલિંગ સ્ટાફ માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા વિવિધ જિલ્લામાંથી આવેલી 40 એસટી બસ અને ખાનગી વાહનો મુકાશે જેની વ્યવસ્થા રાપર સ્વામિનારાયણ ગુરુકુળ અને મોડર્ન સ્કૂલ આઈટીઆઈ ખાતે કરાઇ છે.
800થી વધુ કર્મચારી ગાંધીધામથી અન્ય બેઠકમા ગયા, 900થી વધુનું આગમન થયું
ચુંટણીના ધમધમાટ હવે આખરી ઓપમાં છે ત્યારે ચુંટણીની ફરજો જેમને સોંપાઈ છે તેવા 800થી વધુ ગાંધીધામ વિધાનસભા બેઠકમાં આવતા કર્મચારીઓને તેમના અન્ય સ્થળ પર ફરજના સ્થળે મોકલવામાં આવ્યા હતા, તો અન્ય વિસ્તારથી 900થી વધુનું આગમન થયું હતું. ગાંધીધામમાં મૈત્રી સ્કુલ આ તમામ ગતીવીધીનું કેંદ્ર બની રહ્યું છે.
