~ દુનિયામાં આતંકવાદનું સમર્થન કરનારા દેશોને ભંડોળ મળતુ બંધ થાય : મોદી
~ કેટલાક દેશો વિદેશ નીતિના ભાગરૂપે આતંકને પોષી રહ્યા છે તો કેટલાક આતંકીઓ સામેની કાર્યવાહીમાં અવરોધો ઊભા કરે છે
વૈશ્વિક સ્તરે આતંકવાદને પોષતા પાકિસ્તાન અને ચીનની પરોક્ષ રીતે ઝાટકણી કાઢતાં પીએમ મોદીએ શુક્રવારે ‘નો મની ફોર ટેરર’ હેઠળ આયોજિત મંત્રી સ્તરીય બેઠકમાં કહ્યું કે, કેટલાક દેશો પોતાની વિદેશ નીતિના ભાગરૂપે આતંકવાદનું સમર્થન કરે છે જ્યારે કેટલાક અન્ય દેશ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીને રોકવા માટે પ્રયત્નો કરે છે. આવા દેશોને આતંકવાદના સમર્થન બદલ તેની કિંમત ચૂકાવવા મજબૂર કરવા પર ભાર મૂક્યો હતો. મોદીએ આવા દેશોને મળતા આર્થિક ભંડોળ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી.
આ પરિષદનું ઉદઘાટન કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે ત્રાસવાદને પોષતા દેશો પાસેથી (દંડ રૂપે) ખર્ચ વસુલ કરવો જ જોઈએ.’ ત્રાસવાદને સીધી કે આડકતરી રીતે દરેક પ્રકારે પુષ્ટિ આપનાર વ્યક્તિઓ, સંસ્થાઓ કે રાષ્ટ્રો સામે વિશ્વે એક થઈ ઊભા રહેવાની જરૂર છે. આ સાથે તેઓએ કહ્યું હતું કે ત્રાસવાદના ભય વિષે દુનિયામાં કોઈને કશું કહેવાની જરૂર જ નથી. લાંબે ગાળે ત્રાસવાદ સ્થાનિક અર્થતંત્ર તથા ગરીબો ઉપર પણ અસર કરી જ રહે છે. આથી જ દરેક પ્રકારના ત્રાસવાદી હુમલાઓ સામે તેટલી જ તાકાતથી એક સાથે અને એક ધાર્યાં પગલાં લેવાથી અને ત્રાસવાદ સામે ‘ઝીરો-ટોલરન્સ’ અભિગમ રાખવાની જરૂર છે, તો જ ત્રાસવાદ પરાસ્ત થઈ શકશે.
તેઓએ વધુમાં કહ્યું , ‘આજના વિશ્વમાં કોઈને ત્રાસવાદના ભય વિષે કહેવાની જરૂર જ નથી. આમ છતાં કેટલાક વર્ગોમાં ત્રાસવાદ અંગે કેટલાક ભૂલ ભરેલા ખ્યાલો રહેલા છે. અમે તો સ્પષ્ટતઃ માનીએ છીએ કે, એક હુમલો પણ વધુ પડતો છે. એક પણ જીંદગી વિલુપ્ત થાય છે, તે પણ વધુ પડતું છે. તેથી જ્યાં સુધી ત્રાસવાદ ઊન્મૂલિત નહી થાય. (ઉખેડીને ફેંકી દેવામાં ન આવે) ત્યાં સુધી આપણે શાંત બેસી ન શકીએ.’
ભારતમાં યોજાયેલી આ પરિષદનું મહત્વ સમજાવતા તેઓએ કહ્યું ઃ ”દુનિયાએ ત્રાસવાદની ગંભીરતાથી નોંધ પણ લીધી, તે પહેલા ઘણા બધા સમયથી અમારો દેશ ત્રાસવાદની વિભીષિકાનો સામનો કરી રહ્યો હતો. અનેક વિધ પ્રકારે દાયકાઓથી ત્રાસવાદે ભારતને ઘાયલ કરવા પ્રયત્નો કર્યા જ છે, પરંતુ અમે હિંમત અને બહાદુરીપૂર્વક તેનો સામનો કર્યો છે.” આ સાથે તેઓએ કહ્યું હતું કે ”કેટલાક દેશો ત્રાસવાદને તેમની વિદેશીનીતિના ભાગરૂપે જ માને છે. આવી ‘પ્રોક્ષી-વૉર”’ પણ ઘણી જ ભયાનક છે, વિશ્વે તે સામે એક થઈ ઊભા રહેવાની જરૂર છે.
આતંકીઓમાં વર્ચ્યુઅલ એસેટ્સનો વધતો ઉપયોગ પડકારજનક : શાહ
આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર જોખમ છે. આતંકવાદને ફન્ડિંગ કરવું તે આતંકવાદ કરતાં પણ વધુ ખતરનાક છે. આતંકીઓને નાણાકીય સેવા પૂરી પાડીને કેટલાક દેશો વિશ્વના તમામ દેશોના અર્થતંત્રને નબળા પાડવાનું કામ કરે છે. વધુમાં આતંકીઓમાં ક્રિપ્ટો કરન્સી જેવી વર્ચ્યુઅલ એસેટ્સનો વધતો ઉપયોગ દુનિયા માટે પડકારજનક છે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું. કાઉન્ટરિંગ ટેરરિઝમ ફાઈનાન્સિંગ પર ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરની પરિષદમાં ‘ટેરરિઝમ એન્ડ ગ્લોબલ ટ્રેન્ડ્સ ઈન ટેરરિસ્ટ ફાઈનાન્સિંગ’ વિષયના સત્રની અમિત શાહે અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે, ડાયનામાઈટથી મેટાવર્સ અને એકે-૪૭થી વર્ચ્યુઅલ એસેટ્સમાં આતંકવાદનું પરિવર્તન દુનિયા માટે ચિંતાનો વિષય છે. આતંકીઓ નાણાકીય સંશાધનો એકત્ર કરવા નવા માર્ગો અપનાવી રહ્યા છે. ડાર્ક-નેટ પર ચાલતી તેમની આ પ્રકારની પ્રવૃત્તિઓને સમજવી પડશે અને તેનો ઉકેલ લાવવો પડશે.
