અદાણી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓના ‘ઉત્થાન’ માટે દિવાળી મેળાનું આયોજન

~ 51 શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

~ 10 દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને આગેવાનો સહિત માનવ મહેરામણ

બાળકોનો સર્વાંગી વિકાસ એ સમાજના ઉત્થાન માટેનું સૌપ્રથમ સોપાન છે. ભણતરની સાથોસાથ બાળકો સર્જનાત્મક બને તેવા ઉમદા હેતુસર મુંદ્રામાં દિવાળી મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. અદાણી ફાઉન્ડેશન સંચાલિત ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ 31- ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી આયોજીત કાર્યક્રમમાં અહીંની 51 શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 10 દિવસીય મેળામાં બાળકોએ 37,529 રૂપિયાની કમાણી કરી હતી.

બાળકોમાં ભણતરની સાથોસાથ સ્થાનિક કળાઓનું કોશલ્ય વિકસીત થાય તે હેતુસર દિવાળી મેળામાં 12 જેટલી ઈતર પ્રવૃતિઓ સામેલ કરવામાં આવી હતી. જેમાં સુફવર્ક, દોરીવર્ક, લગ્ન અને નવરાત્રી સ્પેશિયલ જવેલરી, ભરતગુંથણ, મડ વર્ક, આર્ટિફિશિયલ ઘરેણાં બનાવવા, કિ-ચેન બનાવવા, મહેંદી અને ટેટુ બનાવવા, ટાઈ એન્ડ ડાઈ, રંગોળી સ્ટીકર બનાવવા જેવી ક્રિયાત્મક પ્રવૃત્તિઓ સહિત રમત-ગમતનો પણ સમાવેશ થાય છે. વળી વિદ્યાર્થીઓ દ્વારા ખાણીપીણીના સ્ટોલ્સનું આયોજન પણ કરાયું હતું. ભૂલકાઓને ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોઇ વાલીઓ અને ગ્રામજનો ખુશખુશાલ થઈ ગયા હતા.

‘ઉત્થાન’ દ્વારા કરવામાં આવતી નવતર પ્રવૃત્તિઓને શાળાઓ અને શિક્ષણ વિભાગ તરફથી હંમેશા પ્રોત્સાહન મળતું રહ્યું છે. જેનાથી વધુને વધુ બાળકોના પરિવારો અને ગ્રામજનો આવા કાર્યક્રમોમાં રસ લેતા થયા છે. આ દિવાળી મેળાને લોકોએ હૃદયપૂર્વક આવકારી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં આસપાસના આગેવાનો, પદાધિકારીઓએ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

વેકેશનમાં વિદ્યાર્થીઓ ભારેખમ ભણતર ભુલી જતા હોય છે, તેવામાં ઉત્થાન દ્વારા ચલાવાતી આવી રચનાત્મક પ્રવૃત્તિઓ બાળકોમાં જ્ઞાન સાથે ગમ્મત અને કૌશલ્ય વિકાસનું કામ કરે છે.

ઉત્થાન પ્રોજેક્ટ મુન્દ્રા તાલુકાના 26 ગામોની 51 શાળાઓમા કાર્યરત છે. “ઉત્થાન” પ્રોજેક્ટ અંતર્ગત દરેક 200થી વધુ સંખ્યા ધરાવતી શાળામાં એક- એક શિક્ષક “ઉત્થાન સહાયક” તરીકે કાર્યરત છે. શિક્ષક :વિદ્યાર્થી ગુણોત્તર ઓછો થાય તે માટે ઉત્થાન સહાયકોની નિમણૂક એક અગત્યની પહેલ છે. ઉત્થાન શાળામાં શિક્ષક, આચાર્ય, વાલી, વિધાર્થી અને સરકારી અધિકારીઓ સાથે રહીને પ્રાથમિક શાળાને ઉત્તમ બનાવા માટે દરેક પ્રકારની મદદ કરવામાં આવે છે.

Leave a comment