મોરબીના પુલ તુટવાના કેસમાં શકમંદ આરોપી માલિક જયસુખ પટેલ વિદેશ પલાયન

~ પુલ તુટયો તે રાત્રે જ ગુજરાત છોડીને નાસી ગયો હતો

~ પોલીસ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવા અરજી કરશે

મોરબીમાં ઝૂલતો પુલ તુટવાની ઘટનામાં પોલીસે નવ આરોપીઓની વિરૂદ્વ નામજોગ ફરિયાદ નોંધીને ધરપકડ કરીને રિમાન્ડ બાદ જેલ હવાલે કર્યા છે. પંરતુ, ૧૩૫ લોકોના મોત માટે જવાબદાર જયસુખ પટેલ પુલ તુટયો તે રાત્રે જ ગુજરાત બહાર નાસી ગયો હતો અને હવે તે નેપાળ થઇને અન્ય દેશમાં ભાગી ગયાની શક્યતા છે. જેથી  સમગ્ર કેસની તપાસ કરી રહેલી પોલીસની ટીમ હવે  જયસુખ પટેલ વિરૂદ્વ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવા માટે કાર્યવાહી કરશે.દિવાળીના તહેવાર દરમિયાન મોરબીનો ઝૂલતો પુલ તુટવાની ઘટનામાં જવાબદાર ઓરેવાનો માલિક જયસુખ પટેલની ભુમિકા સૌથી શંકાસ્પદ છે. ફોરેન્સીક સાયન્સના પ્રાથમિક રિપોર્ટમાં પુલના નવીનીકરણમાં નબળા મટીરિયલ ઉપયોગમાં લેવાયું હતું. જુના તાર બદલવામાં આવ્યા નહોતા અને  બે કરોડના ખર્ચમાં પુલ તૈયાર કરાયો હોવાનો દાવો કરાયો હતો.

જો કે સમગ્ર પુલના નવીનીકરણમાં માત્ર ૨૯ લાખનો ખર્ચ કરાયો હતો. એટલું જ નહી નિયત ફીમાં પણ બે રૂપિયા વધારે લેવામાં આવી રહ્યા હતા.ે જેથી સમગ્ર ઘટના માટે જયસુખ પટેલની જવાબદારી બહાર આવી હતી. જો કે ઝૂલતો પુલ તુટયો તે રાત્રે જ જયસુખ પટેલ ગુજરાત બહાર નાસી ગયો હતો. છેલ્લે હરિદ્વાર  થઇ નેપાળ થઇને અન્ય દેશમાં નાસી ગયો હોવાની માહિતી પોલીસને મળી છે. જેથી સમગ્ર કેસની તપાસ કરી રહેલી સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા હવે જયસુખ પટેલ સુધી પહોંચવા માટે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની બેદરકારી પણ સામે આવી હોવાથી પોલીસ આરોપી તરીકે તેમનું નામ ફરિયાદમાં ઉમેરવા માટે કોર્ટમાં અરજી કરી શકે તેમ છે.

Leave a comment