જી કે જન.અદાણી હોસ્પિટલમાં છેલ્લા ૭ માસમાં એક લાખ દર્દીઓનું થયું રેડિયોલોજી ના વિવિધ ઉપકરણો દ્વારા નિદાન

૮મી નવે.વિશ્વ રેડિયોલોજી દિવસ

~ તબીબી જગતમાં રેડિયોલોજી સંજીવની સમાન

તબીબી જગતમાં નિદાન માટે ક્રાંતિકારી કહી શકાય તેવી રેડિયોગ્રાફીની શોધને પરિણામે ચિકિત્સા પધ્ધતિ વધુ સરળ બની હોવાથી ગંભીર રોગનું પરિક્ષણ સુવિધાયુક્ત બન્યું છે; જેનો યશ રેડિયોગ્રાફીને જાય છે.એટ્લે જ આઠમી નવેમ્બરના રોજ દર વર્ષે  રેડિયોલોજી દિવસ ઉજવવામાં આવે છે, આ તર્જ ઉપર અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનામાં રેડિયોલોજીના વિવિધ ઉપકરણો દ્વારા એક લાખ ઉપરાંત દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું.

જી કે જનરલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેંટ અને અદાણી મેડિકલ કોલેજના પ્રોફ.ડો.ભાવિન શાહે અને આસિ.પ્રોફ ડો.શિવમ કોટકે જણાવ્યું હતું કે. રેડિયોલોજીના આ જુદા જુદા માધ્યમોમાં એક્સ રે.યુએસજી, સિટીસ્કેન, એમ.આર.આઈ વિગેરેનો સમાવેશ થાય છે.

તેમણે કહયું કે.જ્યારે રેડિયોલોજીની શોધ થઈ નહોતી ત્યારે ગંભીર પ્રકારના રોગ માટે નિદાન એ મહેનત માંગી લે તેવી બાબત હતી પરંતુ, નવા યુગમાં રેડિયોલોજીએ આ પ્રક્રિયા હળવી બનાવી દીધી છે.અને હવે તો એ સંજીવની સમાન બની ગઈ છે. અગાઉ તબીબો દર્દીનો ઇતિહાસ,લક્ષણો વિગેરે જાણીને નિષ્કર્ષ ઉપર આવતા પણ  ક્યારેક તેમાં કેટલીક બાબત છૂટી જવાની પણ સંભાવના રહેતી.રેડિયોલોજીએ તો એટલી અસરકારક્તા દર્શાવી છે કે તે શરીરના અંદરની રચનાના અણુ એ અણુ સુધી પહોંચે છે. હવે તો દર્દીઓ પણ સામે ચાલીને આવા નિદાનનો આગ્રહ રાખતા થઈ ગયા છે.

બંને તબીબોએ જો કે કહયું કે દરેક બાબતમાં આવું પરિક્ષણ જરૂર નથી.આ એક પ્રકારના વિકિરણ છે. જેની કેટલીક સાઈડ ઇફેક્ટ પણ છે.આજકાલ ગૂગલ હાથવગું હથિયાર બની ગયું છે, સર્ચ કરી લોકો જાતે વિચારતા થયા છે અને આર્ટિફિશીયલ ઇંટેલીજેન્સની આદત પડી ગઈ છે  પરંતુ અત્રે એ પણ જાણવું જરૂરી છે કે ડો ગૂગલ કરતાં સંવેદનશીલ ગણાતા તબીબનો આભિપ્રાય માનવીય અભિગમ પ્રેરિત હોય છે, જે ઉપયોગી બને છે. આવી તમામ હકીકતને  ધ્યાનમાં રાખી આ વર્ષે ડબલ્યુ.એચ.ઑએ આ દિવસને “રેડિયોલોજિસ્ટ અને રેડિયોગ્રાફર સપોર્ટ કરે છે” એવી થીમ રાખી છે.

એક્ષ-રે થી એમ.આર.આઈ સુધી:

ઈ.સ.૧૮૭૫ના ૮મી નવેમ્બરના દિવસે જર્મનીના ભૌતિક પ્રાધ્યાપક કોનરેડ રોટજંજે એક્સ-રે વિકિરણ એટલે કે એક્ષરે ની શોધ કરી હતી. આ શોધની યાદમાં વિશ્વમા રેડિયોલોજી દિવસ મનાવવામાં આવે છે. આ એક્ષ-રેના આવિષ્કાર પછી ક્રમશ;યુ.એસ.જી,ડોપલર,મેમોગ્રાફી,એમ.આર.આઇ વિગેરેની શોધ થઈ,આમ રેડિયોલોજીના પાયમાં એક્ષ-રે રહેલું છે.ત્યારપછી જ તમામ આધુનિક ઉપકરણો શોધાયા અને ક્રાંતિ થઈ.   

Leave a comment