ચૂંટણીના કારણે યુનિવર્સિટીના બીજા તબક્કાની પરીક્ષા પાછળ ઠેલાઈ

~ 22 નવેમ્બરથી શરૂ થતી કસોટી હવે 5 ડિસેમ્બરથી લેવાશે

દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ કચ્છ યુનિવર્સિટીના વિવિધ કોર્ષની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે.કુલ બે તબક્કામા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ જતા પરીક્ષા કેવી રીતે યોજવી તે સંદર્ભે યુનિવર્સિટીમાં બેઠક યોજવામાં આવી હતી.જે અન્વયે હવે બીજા તબક્કાની કસોટીની તારીખ પખવાડિયું પાછળ ઠેલાવવામાં આવી છે.

યુનિવર્સિટી દ્વારા બે તબક્કામાં લેવાનારી પરીક્ષાનો પ્રથમ તબક્કો 10 મીથી શરૂ થઈ રહ્યો છે.જ્યારે બીજો તબક્કો 22 મી નવેમ્બરથી શરૂ થવાનો હતો પણ પહેલી ડિસેમ્બરના વિધાનસભા ચૂંટણીનું મતદાન છે અને ચૂંટણીપ્રક્રિયામાં શૈક્ષણિક સ્ટાફની પણ મદદ લેવાશે જેના કારણે બીજા તબક્કાની પરીક્ષાની તારીખ પાછળ ઠેલવામાં આવી છે.

યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તેજલ શેઠે જણાવ્યું કે,પ્રથમ તબક્કાની પરીક્ષા યથાવત છે પણ બીજા તબક્કાની કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે.મીટિંગમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે હવે 22 મીના બદલે બીજા તબક્કાની કસોટી 5 મી ડિસેમ્બરથી લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,10 મી તારીખથી શરૂ થતી પરીક્ષામાં સેમેસ્ટર 3 અને 5 ના 16,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.વિવિધ 41 જેટલા કોર્ષની કસોટી વિવિધ 29 કેન્દ્રો પર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે.

ઘણી કોલેજોમાં અભ્યાસક્રમ બાકી હોવાની રાવ
દરમ્યાન સૂત્રોએ જણાવ્યું કે,ઘણી કોલેજોમાં અભ્યાસક્રમ હજી બાકી છે.નિયમ પ્રમાણે સેમેસ્ટરમાં અભ્યાસના દિવસોની સંખ્યા 90 હોય છે પણ 18 જૂનથી શરૂ થયેલા આ શૈક્ષણિક સત્રમાં રજાઓ ઘણી આવી છે તેમજ કોલેજોમાં અભ્યાસના નામે માત્ર અમુક દાખલાઓ અને પોઇન્ટ સમજાવી દેવાય છે. તો જિલ્લાની મોટા ભાગની કોલેજોમાં સ્ટાફ ઘટ હોવાને કારણે અભ્યાસક્રમ યોગ્ય રીતે પૂરો થઇ શક્તો નથી. તેમજ હજુ તો શૈક્ષણિક સત્ર શરૂ થયું ત્યાં જ ઇન્ટરનલ પરીક્ષાઓ આવી ગઇ હતી, પરિણામે સારા ગુણ લાવવા માટે છાત્રોને ટ્યુશનનો સહારો લેવો પડે છે ત્યાં પણ કોર્સ હજી પણ અધૂરા છે, તેવામાં પરીક્ષાની તારીખ નજીક આવી જતાં તેજસ્વી છાત્રોમાં ઉચ્ચાટ જોવા મળી રહ્યો છે.

Leave a comment