~ કંડલા (એ) 39.6 ડિગ્રીએ સૌથી ઉષ્ણ
~ ગાંધીધામ, અંજારમાં દિવસ-રાત્રિના તાપમાનમાં 22 ડિગ્રીનો તફાવત
~ જિલ્લા મથક ભુજ 39.2 ડિગ્રી સાથે રાજ્યમાં બીજા ક્રમે ગરમ શહેર
કચ્છમાં છેલ્લા સપ્તાહથી જાણે ભાદરવો પરત ફર્યો હોય તેવો તાપ પડી રહ્યો છે. શુક્રવારે ગાંધીધામ, અંજારને આવરી લેતા કંડલા એરપોર્ટ મથકે મહત્તમ તાપમાન વધુ એક આંક ઉંચકાઇને 39.6 ડિગ્રીએ પહોંચતાં રાજ્યભરમાં સૌથી ગરમ વિસ્તાર બન્યો હતો જ્યારે જિલ્લા મથક ભુજ 39.2 ડિગ્રી સાથે બીજા ક્રમે ગરમ શહેર બન્યું હતું.
કંડલા એરપોર્ટ મથકે અધિકત્તમ તાપમાનનો પારો ઉંચે ચડીને 39.6 ડિગ્રી થતાં મધ્યાહ્ને ઉનાળા જેવી ગરમી અનુભવાઇ હતી તેની વિપરીત ન્યૂનતમ ઉષ્ણતામાન 17.8 ડિગ્રી રહેતાં રાત્રિ ઠંડી બની હતી. આમ દિવસ અને રાતના તાપમાન વચ્ચે 22 ડિગ્રીના તફાવત સાથે હવામાનમાં વિષમતાની પરાકાષ્ટા અનુભવાઇ હતી. બેવડી ઋતુના પગલે છેલ્લા કેટલાક સમયથી ગાંધીધામ, અંજાર અને આદિપુરમાં શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.
સતત ત્રણ દિવસ રાજ્યમાં ગરમીમાં મોખરે રહેલા ભુજમાં પારો અડધો ડિગ્રી વધીને 39.2 ડિગ્રી થતાં બપોરે અનુભવાયેલી ગરમીથી શહેરીજનો અકળાયા હતા. 20.8 ડિગ્રી જેટલા લઘુતમ તાપમાને મોડી રાત્રે ઠંડક પ્રસરાવતાં જિલ્લા મથકે પણ મિશ્ર મોસમનો માર લોકોને સહન કરવો પડ્યો હતો. કંડલા બંદરે મહત્તમ 36.7 જ્યારે ન્યૂનતમ 20.6 અને નલિયામાં 35.5 તથા 18.7 ડિગ્રી નોંધાયું હતું. આગામી પાંચ દિવસ સુધી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નહિવત્ હોવાનો વર્તારો વ્યક્ત કરાયો છે.
કચ્છમાં ઠંડીના પગરવ પણ સંભળાયા
શિયાળાની ઋતુનો પગરવ શરૂ થઈ ચૂક્યો છે. સવારે ઠંડક વાતાવરણને આહ્લાદક બનાવી રહી છે,તો ગ્રામ્ય વિસ્તારમાં શાલ સાથે ગરમ વસ્ત્રો પણ વર્ષ બાદ કબાટની દોસ્તી તોડી રહ્યા છે. મોર્નિંગ વોકમાં જતા લોકો અનેરો આનંદ મેળવી નવા વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે,આ વચ્ચે લાખોંદ માર્ગ પર ક્લિક થયેલ તસવીરમાં ખાત્રોડ ડુંગરની સૂર્યોદય પહેલાની નયનરમ્ય ઝલક જોઈ શકાય છે.
તાપમાન સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધુ
સામાન્ય રીતે ઓતરાદા પવન ફૂંકાવાની સાથે શિયાળાના પગરણ થાય છે પણ કારતક માસ શરૂ થઇ ગયો હોવા છતાં પવનની દિશા પશ્ચિમ-ઉત્તર રહી છે. આ ઉપરાંત કચ્છમાં હાલે દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધુ રહેતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી ગરમીનું જોર જારી રહ્યું છે.
