~ આધેડ મહિલાના નાકમાથી સતત વહેતું મગજનું પાણી જીવલેણ બને તે પહેલા જ રોકી દેવાયું
~ પુનરાવર્તન નિવારવા ખોપરીની દૂરબીનથી કરાઇ શસ્ત્રક્રિયા, ખોપરીમાં ક્ષતિ થવાના અનેક કારણો
અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં મહિલાની ખોપરીના આગળના ભાગે ક્ષતિ ઉભી થતાં મગજનો ભાગ આગળ આવી ગયો જેથી મગજનું પાણી સતત નાક વાટે વહી જતું હોવાથી ઈ.એન.ટી વિભાગે જોખમ સર્જાય તે પહેલા જ તાબડતોબ અતિ આધુનિક દુરબીનથી શસ્ત્રક્રિયા કરી આ પ્રક્રિયા જીવલેણ બનતી અટકાવી દીધી.
જી.કે.જનરલ હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગના હેડ ડો.નરેન્દ્ર હિરાણીએ સુખપર નવાવાસ ગામના લખીબેનનું (ઉ.વ.૫૮) સફળ ઓપરેશન કર્યા બાદ જણાવ્યું હતું કે, નાક વાટે વહેતું મગજનું પાણી (સેરિબ્રો સ્પાઈનલ ફલ્યુડ સાઈનોરિયા) નીકળી જાય તો દર્દીને લકવો, કોમા કે કયારેક મૃત્યુ પણ થઇ શકે. આ જોખમ નિવારવા તાત્કાલિક દુરબીનથી ઓપરેશન કરી મગજના ભાગને મૂળ સ્થિતિમાં મૂકી પાણી વહેતું અટકાવી દેવાયું.
આ પ્રકારના દર્દી આવે એટલે શરૂઆતમાં શર્દી હોય એવું જ જણાય પરંતુ આ વહેતું પાણી મગજનું પણ હોઇ શકે એટલે બીટા-ટુ-ટ્રાન્સફેરિન પ્રકારનું બ્લડ ટેસ્ટ અને એમ.આર.આઇ. કરાવ્યું તો લખીબેનના મગજમાંથી જ પાણી આવતું હોવાનું નિદાન પાકું થઇ ગયું અને એવું પણ જણાયું કે, ખોપરીના હાડકાની ક્ષતિને કારણે મગજનો ભાગ આગળ આવી જતાં આવું થયું હતું. તેની જટિલતા એટલી હતી કે દુરબીન સિવાય કોઇ વિકલ્પ જ નહોતો.
ચીફ મેડિકલ સુપ્રિ.ડો.હિરાણીએ કહયું કે, આ ઓપરેશન કપાળમાં ચીરો પાડી અને ખોપરીનું હાડકું કાઢીને પણ કરવામાં આવે છે પરંતુ આવું કરવા જતાં મગજને ચેપ લાગી શકે છે. કદાચ પાણી વહેવાનું પુનરાવર્તન પણ થઇ શકે અને હોસ્પિટલમાં લાંબો સમય પણ રહેવું પડે આ બાબત નિવારવા દુરબીનથી નાક દ્વારા ઓપરેશન કર્યુ. આ ઓપરેશનમાં કાન, નાક ગળાના તબીબો ડો.રશ્મિ સોરઠીયા, સિની.રેસી ડો.નિસર્ગ દેસાઇ અને હેતલ જોશી જયારે એનેસ્થેટિક વિભાગના ડો.મંદાકિની અને ડો.ખ્યાતિ જોડાયા હતા.
ખોપરીના હાડકાંમાં ક્ષતિ થવાનું કારણ
ખોપરીના હાડકાંમાં ક્ષતિ થવાના અનેક કારણો છે. આ ક્ષતિ જન્મજાત, નાકના ઓપરેશન દરમ્યાન કયારેક ઈજા થવાથી, ખોપરીના હાડકાંમાં ચેપ થવાથી, અકસ્માત, મગજની ગાંઠને કારણે તેમજ અન્ય કોઇ કારણસર પણ થઇ શકે. (ઈડિયોપેથિક)
