આજથી સામાન્ય નાગરિકો ડિફેન્સ એક્સ્પોની મુલાકાત લઇ શકશે

~ ગાંધીનગર હેલિપેડ, અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે

~ ૨૧-૨૨ ઓક્ટોબરના એન્ટ્રી ફ્રી પણ રજીસ્ટ્રેશન ફરજીયાત : સવારે ૧૦થી પ્રદર્શનનો પ્રારંભ

ગાંધીનગર ખાતે યોજાઇ રહેલા ડિફેન્સ એક્સ્પોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. ડિફેન્સ એક્સ્પો ૨૦મી ઓક્ટોબર સુધી માત્ર આમંત્રિતો માટે જ ખુલ્લો હતો. પરંતુ હવેના બે દિવસ સાબરમતી રિવર ફ્રન્ટ અને ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સામાન્ય નાગરિકો તેની મુલાકાત લઈ શકશે.

૨૧ અને ૨૨મી ઓક્ટોબર દરમિયાન કોઈ પણ નાગરિક શસ્ત્ર સરંજામ પ્રદર્શન તથા વિવિધ પેવેલિયનની મુલાકાત લઈ શકશે.આ બન્ને સ્થળોએ એન્ટ્રી ફ્રી છે. પરંતુ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત છે. એક જ વખતમાં એકથી વધારે વ્યક્તિ માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે. એક દિવસનું રજીસ્ટ્રેશન એ દિવસે જ માન્ય રહેશે, પરંતુ એ એકથી વધારે વખત આવન-જાવન કરી શકાશે.સામાન્ય રીતે નાગરિકોને ક્યારેય જોવા ન મળતા હોય એવા હથિયારો, સંરક્ષણ સામગ્રી અને ટેકનોલોજી આ પ્રદર્શનમાં જોવા મળશે. ગાંધીનગરના પ્રદર્શનનો સમય સવારના ૧૦થી સાંજના ૫ સુધીનો છે.

હેલિપેડ ગ્રાઉન્ડ ખાતેનું પ્રદર્શન ખુબ જ મોટુ અને ઘણો સમય માંગી લેનારું છે. જેમને જવુ હોય એમણે બે-ત્રણ કલાકનો સમય ફાળવવો જોઈએ.સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બે દિવસ સાંજે પોણા પાંચ વાગ્યે સૈન્યની ત્રણેય પાંખો દ્વારા વિવિધ કરતબ બતાવવામાં આવશે.પહેલી વાર ખુલ્લુ મુકાયેલું ગુજરાત પેવેલિયન,  ઈન્ડિયા પેવેલિયન, લાઈટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર, ટી-૯૦ ટેન્ક, ગમે ત્યાં બ્રિજ બનાવી શકતુ વાહન, રફાલ વિમાનના મોડેલ્સ, ફાઈવ-જી ટેકનોલોજી, સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના આધુનિક હથિયારો,  બ્રહ્મોસ મિસાઈલ આકર્ષણના મુખ્ય કેન્દ્રો રહેશે.

Leave a comment