~ ૩૦ બાળકોને કોક્લિયર ઈમ્પ્લાન્ટ માટે ભલામણ
~ કચ્છમાં ઘર આંગણે આરોગ્યની તમામ સુવિધા ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : ડો. નિમાબેન આચાર્ય
રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કરછમાં જન્મથી જ મૂકબધિર બાળકોની સાંભળવાની ક્ષમતા અંગે જી.કે.ના ઓપીડી વિભાગમાં યોજાયેલા નિદાન અને સારવાર કેમ્પમાં ૧૦૦ ઉપરાંત બાળકોની ચકાસણી કરવામાં આવી હતી,જે પૈકી ૩૦ બાળકોની કોક્લિયર ઈમ્પ્લાન્ટ માટે ભલામણ કરવામાં આવી હતી.
આ કેમ્પનું ઉદઘાટન કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ કેમ્પના આયોજકોને અભિનંદન આપતા કહ્યું હતું કે, કરછને આરોગ્યલક્ષી તમામ સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે આવા કેમ્પની વિશેષ આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો.
ગેઇમ્સના મેડિકલ ડાયરેકટર ડૉ.બાલાજી પિલ્લઈ અને હોસ્પિટલના ચીફ.મેડિકલ સુપ્રિ. ડૉ.નરેન્દ્ર હિરાણીના નેતૃત્વ તળે યોજાયેલો આ કેમ્પ તેના નિર્ધારિત સમય કરતાં છેક પાંચ વાગ્યા સુધી ચાલ્યો હતો.જેમાં સોલા સિવિલના તબીબો ડૉ. કેવલ ત્રિવેદી, ડૉ. કૈવન શાહ, ડો.ધવલ તેમજ તેમની ટીમ જોડાઈ હતી.
પ્રારંભમાં જી.કે. જન.ના મેડિસન વિભાગના હેડ ડૉ.જયેશ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કરતાં કાર્યક્રમ અને કેમ્પ અંગે માહિતી આપતા કહ્યું કે, આગામી દિવસોમાં બીજા અનેક સુપર સ્પેશિયાલિટી કેમ્પ જી. કે.માં કરવામાં આવશે. આ મૂંગા બહેરા બાળકોનો નિદાન કેમ્પ અત્રે યોજાય એ માટે ડો. ત્રિવેદીએ સફળ પ્રયત્નો કર્યા હતા.
જી.કે.ના કાન,નાક, ગળાના રોગના તબીબો ડૉ.રશ્મિ સોરઠીયા, ડૉ.હેતલ જોશી, ડૉ.નિસર્ગ દેસાઈ અને ઓડીઓલોજિસ્ટ હર્ષદ વાઘેલા જોડાયા હતા.જ્યારે રાષ્ટ્રીય બાળ કાર્યક્રમના અધિકારી અને કર્મચારીઓ બાળકોને કેમ્પ્ સુધી પહોંચાડવા સહભાગી થયા હતા. આ ઉપરાંત ૬ વર્ષથી નાના મૂંગા બહેરા બાળકોનું કોકલિયર ઈમ્પ્લાન્ટ માટે કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.
તો…સાવધાન :
જો એક વર્ષ સુધીનું બાળક સાંભળી શકતું ન હોય તો માં_બાપે સાવધાન થઈ જવું જોઈએ. આ પરિસ્થિતિ કોઈ બીમારીને કારણે હોઈ શકે યા જન્મજાત પણ હોય.તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો.જો બીમારી જોવા મળે તો ઉપચારથી રાહત થઈ શકશે અગર તો કોક્લિયર ઈમ્પ્લાન્ટ કરવું પડે. કોક્લિયર ઈમ્પ્લાન્ટ કરેલું બાળક સામાન્ય બાળક જેમ જ જીવન જીવી શકે.
