~ સાંસદો અવિશ્વાસ પત્ર સોંપવા તૈયાર
~ ટ્રુસે ગયા મહિને ટેક્સ ઘટાડવાનું વચન આપીને કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ જીત્યું હતું
બ્રિટનના વડા પ્રધાન લીઝ ટ્રુસની ખુરશી સંકટમાં છે. મળતા અહેવાલો મુજબ બ્રિટિશ સાંસદો તેમને હટાવવાનો પ્રયાસ કરશે. શાસન કર્તા કન્ઝર્વેટિવ પાર્ટીના 100થી વધુ સાંસદ સભ્યો કન્ઝર્વેટિવ પાર્ટી કમિટીના વડા ગ્રેહામ બ્રેડીને અવિશ્વાસ પત્ર સોંપવા માટે તૈયાર છે. રાજકીય સંકટમાં ઘેરાયેલા બ્રિટને વર્ષ 2016માં યુરોપીય સંઘ છોડ્યું હતું અને ત્યારથી આ દેશના વડા પ્રધાન ઝડપથી બદલાતા રહે છે.
મળતા અહેવાલો અનુસાર સાંસદો બ્રેડીને અવિશ્વાસ પત્ર સોંપીને ટ્રુસને હટાવવાની વિનંતી કરશે. તાત્કાલિક વિશ્વાસ મતની મંજૂરી આપવા માટે રાજકીય પક્ષના નિયમોમાં ફેરફાર કરવાનું પણ કહેશે. ઉપરાંત એવું કહેવાઈ રહ્યું છે કે કેટલાક સાંસદોએ ટ્રુસને નવા નેતા સાથે બદલવા માટે ગુપ્ત ચર્ચા કરી હતી. ટ્રુસે ગયા મહિને ટેક્સ ઘટાડવાનું વચન આપીને કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ જીત્યું હતું.
તાજેતરમાં લીઝ ટ્રુસ વડા પ્રધાન બન્યા છે. તેમણે ભારતીય મૂળના પૂર્વ ચાન્સલેર ઋષિ સુનકને હરાવીને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની ચૂંટણી જીતી હતી. બીજી તરફ ‘ઓડશેકર’ બુકીઓના ‘ઓડ્સ એગ્રીગેટર’એ દર્શાવ્યું હતું કે, 42 વર્ષીય ઋષિ સુનક 47 વર્ષીય ટ્રુસની જગ્યા લેવા માટેની ફેવરિટ રેસમાં સૌથી આગળ છે. સુનકની ટીમની નજર બ્રિટનના રાજકારણમાં સૌથી નોંધપાત્ર રાજકીય પુનરાગમન ઉપર છે.
તમને જણાવી દઈએ કે, ટ્રુસનો જન્મ ઓક્સફોર્ડમાં થયો હતો. તેમના પિતા ગણિતના પ્રોફેસર હતા અને માતા નર્સ અને શિક્ષિકા હતા. તેમનો ઉછેર બ્રિટનના વિવિધ વિસ્તારોમાં થયો હતો. તેમના લગ્ન અકાઉન્ટન્ટ હ્યૂગ ઓ લેરી સાથે થયા છે અને તેમને બે પુત્રીઓ છે.
