આ ખૂબસૂરત દુનિયાને જોવી હોય તો કુદરતે આપેલી અણમોલ ભેટ સમાન પોતાની આંખોને પ્રેમ કરો અને કોહિનૂરની જેમ સાચવવાની સલાહ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના આંખ વિભાગના તબીબોએ દર વર્ષે ઓકટો.ના બીજા ગુરુવારે ઉજવાતા વિશ્વ દૃષ્ટિ દિન નિમિતે આપી છે.
આંખોને મોતીની જેમ જતન કરવા અંગે માર્ગદર્શન આપતા જી.કે.ના ચક્ષુ નિષ્ણાત તબીબોએ જણાવ્યું કે, આંખોમાં અનેક તકલીફ જોવા મળે છે, જેમકે આંખોમાં દબાણ જેવું લાગે, આંખો થાકી ગઈ હોય એવું લાગે, આંખો સૂકી અથવા વધુ પાણી આવતું હોય અને દર્દ મહેસૂસ થાય, ધૂંધળું દેખાય, આંખમાં ખંજવાળ, બળતરા તેમજ એકજ દ્રશ્ય બબ્બે દેખાય તો સાવધાન થઈ તાત્કાલિક આંખના ડો.ને મળી સારવાર લેવી જોઈએ.
મોતિયો આંખ માટે સૌથી વધુ નુકસાનકારક પરિબળ છે.તેમાંય ડાયાબિટસવાળા દર્દીઓએ ખાસ સંભાળ રાખવી.જો આંખમાં ઇજા થાય તો પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે, એમ જી.કે.ના આંખ વિભાગના હેડ ડો.અને પ્રોફ.કવિતા શાહે તેમજ ડૉ.અતુલ મોડેસરાએ કહ્યું હતું.જી.કે.માં એક વર્ષમાં ૭૦૦ જેટલા મોતિયાના ઓપરેશન થતાં હોય છે.આ ઉપરાંત ઝામર, વેલ વિગેરેની શસ્ત્રક્રિયા નિયમિત થાય છે.અત્રે આંખની દ્રષ્ટિની ચકાસણી પણ નિયમિત થાય છે.રોજના ૧૦૦ જેટલા દર્દીઓ આંખના નજરની તપાસ કરાવવા આવે છે.
જો કે હવે ધીમે ધીમે લોકોમાં આંખો પરત્વે જાગૃતિ આવતી જાય છે.જે એક સારી નિશાની છે.પરંતુ આંખ સામે સ્ક્રિનિંગ સમય જ નજર માટે આજકાલ મોટી સમસ્યા છે.જેમાં બાળકો પણ મોબાઈલના પડદા સામે સમય વિતાવવા લાગ્યા હોવાથી તેમની દ્રષ્ટિમાં વિક્ષેપ થવા લાગ્યો છે.
આ અંગે તબીબોએ કેટલીક સાવચેતી રાખવાની બાબતો વિશે સૂચવ્યું કે, કોમ્પુટર, લેપટોપ કે મોબાઈલ સામે વધુ સમય બેસી રહેવું ના જોઈએ.ઓનલાઇન મિટિંગ, અભ્યાસ, વિગેરેનું ચલણ વધી ગયું હોવાથી ખાસ સાવધાની રાખવાની હોય છે.છતાં કોમ્પુટર સામે બેસવું જ પડે તેમ હોય તો ૨૦x૨૦x૨૦ની ફોર્મ્યુલા આપનાવવી જેમાં પ્રત્યેક ૨૦ મિનિટ કામ કરી પછી ૨૦ ફૂટ દૂર જોવું અને ૨૦ સેકન્ડ આરામ કરવો. સ્ક્રિનની લાઈટ ઓછી રાખવી, મોબાઇલને આંખોના એંગલથી નીચે રાખવું.જોકે બાળકોને તો શક્ય હોય ત્યાં સુધી દૂર જ રાખવા.
