i-Phone સાથે ચાર્જર ન આપવું મોંઘું પડ્યું

~ Appleને ફટકાર્યો રૂ. 164 કરોડનો દંડ

આજકાલના નવા જમાનામાં સ્માર્ટફોન સાથે ચાર્જર ન આપવું એ હવે ટ્રેન્ડ બની ગયો છે. તેની શરૂઆત Apple દ્વારા કરવામાં આવી હતી અને હવે Google, Samsungથી લઈને Xiaomi જેવી કંપનીઓ પણ તેમના ફોન સાથે ચાર્જર નથી આપી રહી. જોકે વિવિધ દેશો હવે આ અંગે કડકાઈ અપનાવી રહ્યાં છે. આઈફોન સાથે ચાર્જર ન આપવાનો એપલનો આ નિર્ણય ફરી મોંઘો પડ્યો છે. બ્રાઝિલમાં ચાર્જર વગરનો iPhone વેચવા બદલ Appleને 20 મિલિયન ડોલર એટલે કે લગભગ 164 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બ્રાઝિલની એક કોર્ટના જજે કહ્યું કે Appleએ ગ્રાહકોને iPhone સાથે ચાર્જર ન આપીને વધારાની પ્રોડક્ટ ખરીદવા દબાણ કર્યું છે. અગાઉ ગયા મહિને એપલને આ જ પ્રકારના સમાન મુદ્દા માટે બ્રાઝિલના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગથી લગભગ 2.5 મિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. Appleએ ઓક્ટોબર 2020થી iPhone 12 સાથે ચાર્જર આપવાનું બંધ કર્યું છે. એપલને અગાઉ પણ ફ્રાન્સમાં આવો જ દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પહેલા Appleની iPhone 14 સિરીઝના લોન્ચિંગ પહેલા જ બ્રાઝિલે Appleને મોટો ઝટકો આપ્યો હતો. ગત મહિને બ્રાઝિલની સરકારે ચાર્જર વિના iPhoneના વેચાણ પર દેશવ્યાપી પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. આ સિવાય બ્રાઝિલની સરકારે આઈફોન સાથે ચાર્જર ન આપવા બદલ એપલ પર લગભગ 18 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

આ સિવાય ગત અઠવાડિયે યુરોપિયન યુનિયનએ કહ્યું કે 2024ના અંત સુધીમાં તમામ ડિવાઈઝ સાથે એક જ પ્રકારનું સી પોર્ટ ચાર્જર આપવાની ફરજ પડી શકે છે. આ નિર્ણયથી સૌથી વધુ નુકસાન એપલને થશે કારણ કે એપલે તેના તમામ પ્રોડક્ટોની ડિઝાઇનમાં ફેરફાર કરવા પડશે.

Leave a comment