~ મુન્દ્રાથી અપડાઉન કરતા 120 છાત્રોએ અન્ય બસો અટકાવી ધાંધલ કરી
એક તરફ સરકાર શિક્ષણ ને મહત્વ આપવાનો જોર શોરથી પ્રચાર કરી રહ્યું છે.બીજી તરફ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ શિક્ષણ પ્રાપ્ત કરવા અંતરિયાળ વિસ્તારોથી અપડાઉન કરતા વિધાર્થીઓને પૂરતી બસોની ફાળવણી અંગે ધરાર અન્યાય કરતુ હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે.ત્યારે આદિપુર એસટી ડેપો માં મુન્દ્રા થી અવર જ્વર કરતા છાત્રોએ અપેક્ષિત સગવડના અભાવે બસો અટકાવી હલ્લાબોલ કરતાં સ્થાનિક પોલીસે ડેપોમાં ઘસી જઈ મામલો થાળે પાડવાની નોબત આવી હતી.
ઘટના સ્થળેથી અપડાઉન કરતા છાત્રોએ રોષભેર આપેલી માહિતી મુજબ મુન્દ્રા તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો લૂણી,ગુંદાલા,ભદ્રેશ્વર,ચાંદ્રોડા,ખેડોઇ વગેરે જગ્યાએથી આદિપુર તોલાણી તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા 120 થી વધુ વિદ્યાર્થીઓ આવજા કરે છે.તેમના વળતિયા થવા માટે સવારે 11 વાગ્યે ફક્ત એક બસ ઉપલબ્ધ હોવાથી 52 પેસેન્જરો ની ક્ષમતા ધરાવતી બસમાં રોજ છાત્રો ઠસાઇ ને ઘરભેગા થાય છે.જયારે કેટલાકને તો મજબૂરીમાં ખાનગી વાહનો નો સહારો લેવો પડે છે.
આ અંગે એસટી નિગમ સમક્ષ અનેક લેખિત રજૂઆત કરાઈ હોવાની બાબત પર પ્રકાશ પાડતાં વિધાર્થીઓએ કોઈ પ્રતિસાદ સાંપડતો ન હોવાનો આંતર્નાદ વ્યક્ત કર્યો હતો.વિશેષમાં હાલ પરીક્ષા શરુ થઇ હોવાથી કોલેજના સમયપત્રક મુજબ તે 11 વાગ્યે પૂર્ણ થાય છે.જેથી દોડી ને છાત્રોને બસ ડેપો સુધી પહોંચવું પડે છે.તેમાં જો 11 વાગ્યાની રેગ્યુલર બસ ચુકી જવાય તો તેમના માટે બીજી બસ સીધી ચાર વાગ્યે નસીબ થાય છે.
