~ 22 સપ્ટે.થી 2 ઓક્ટોબર સુધી 11 દિવસમાં થઇ આવક
કચ્છની દેશદેવી મા અાશાપુરાનું લખપત તાલુકાના માતાના મઢમાં સ્થાનક છે. નવરાત્રિ દરમિયાન કચ્છ જિલ્લા ઉપરાંત જિલ્લા બહારથી પણ વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઅો માના ચરણમાં માથું નમાવવા અાવતા હોય છે, જેથી કચ્છ અેસ. ટી. વિભાગીય નિયામકની કચેરી દ્વારા વિશેષ બસોનું સંચાલન કરવામાં અાવે છે, જેમાં 22મી સપ્ટેમ્બરથી 2જી અોક્ટોબર સુધી 11 દિવસ દરમિયાન 950 ટ્રિપો કરીને 64 લાખ રૂપિયા કમાવી લીધા છે.
કોરોનાની મહામારી પહેલા 2019માં અેસ.ટી. બસોઅે અાષો નવરાત્રિમાં 90 લાખ રૂપિયા રળ્યા હતા. બીજા જિલ્લાના વિભાગમાંથી વધારાની 15થી 20 જેટલી બસો મંગાવવી પડી હતી. પરંતુ, કોરોના કપરા કાળ બાદ 2021 વર્ષના અાષો નવરાત્રિ દરમિયાન કચ્છ અેસ.ટી. વિભાગે કોરોનાની માર્ગદર્શિકા હેઠળ માત્ર 80 બસો જ દોડાવી હતી, જેથી 352 ટ્રિપો દ્વારા 49 લાખ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ, ચાલુ સાલે 2022માં પદયાત્રાળુઅો છેક પિતૃપક્ષ શ્રાદ્ધમાં જ માતાના મઢ તરફ પગપાળા નીકળી પડ્યા હતા અને શ્રાદ્ધ પક્ષમાં જ પરત ફરવા લાગ્યા હતા.
કચ્છ અેસ.ટી. વિભાગીય નિયામક વાય. કે. પટેલે જણાવ્યું હતું કે, કચ્છ અેસ.ટી.અે 22મી સપ્ટેમ્બરથી જ 200 જેટલી વિશેષ બસો દોડાવવાનું અાયોજન ગોઠવી રાખ્યું હતું, જેથી છેક 2જી અોક્ટોબર સુધીના 11 દિવસ દરમિયાન 950 જેટલી ટ્રિપો કરી લીધી છે અને 64 લાખ રૂપિયા જેટલી અાવક થઈ છે. બીજી તરફ સૂત્રોઅે જણાવ્યું હતું કે, હજુ 3જી અોકટોબર સુધી અેસ.ટી. બસો દોડવાની છે. પરંતુ, અન્ય ખાનગી વાહન વ્યવહારની સુવિધા વધી ગઈ છે, જેથી પરત ફરતા પદયાત્રીઅો હાજર તે હથિયારના નિયમ મુજબ જે ખાનગી વાહન મળે અેમાં પરત ફરી રહ્યા છે. જેના કારણે અેસ.ટી.ની અાવકમાં ઘટાડો થઈ શકે છે.
