~ જાગૃતિ ફેલાવવા સાથે મોબાઈલમાં એપ પણ ડાઉનલોડ કરાવાઈ
~ મહિલાઓ નિશ્ચિત થઇને ગરબા રમે તે માટે ગુજરાત પોલીસ મહિલાઓની પડખે છે
આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે અને આ વખતે ભુજમાં કોમર્શીયલ ગરબીના આયોજનો ન હોવાથી શેરી ગરબીઓ રંગત જમાવી રહી છે.ઘણા સ્થળોએ આવારા રોમિયો નવરાત્રીમાં નીકળી પડતા હોય છે ત્યારે તેઓની શાન ઠેકાણે લાવવા માટે મંડળના કાર્યકર્તાઓ તો એક્ટિવ હોય છે તેમજ પોલીસ દ્વારા પણ વધુ બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે ત્યારે 181 અભયમ હેલ્પલાઈન દ્વારા પણ સુરક્ષા રાખવામાં આવી રહી છે.
જેમાં ખાસ કરીને શહેરમાં જ્યાં જ્યા ગરબીના આયોજનો છે ત્યાં અડધો કલાકના હોટસ્પોટ રાખી સ્થાનિક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવે છે આ સાથે રાસ-ગરબા સમયે ગ્રાઉન્ડમાં જઈ વોચ પણ રખાય છે.રોમિયોગીરી કરતા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે અભયમ પણ સક્રિય છે.આ સિવાય અહીં સ્ત્રીઓને મળતા હક્ક વિશે જાગૃતિ ફેલાવી તેમના મોબાઈલમાં અભયમની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે, નવરાત્રિમાં મહિલાઓ નિશ્ચિત થઇને ગરબા રમે તે માટે ગુજરાત પોલીસ મહિલાઓની પડખે છે અને કોઇ પણ છેડતી અને પજવણીના બનાવમાં તાત્કાલિક 181 હેલ્પલાઇન પર ફોન કરી મદદ મેળવી શકાય છે.
મંગળવારે વ્યાયામ શાળા ખાતે આયોજિત હિંદુ નવરાત્રિ કાર્યક્રમમાં અભયમ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તે વેળાની તસવીરમાં એએસઆઇ રક્ષાબેન, કાઉન્સેલર પૂનમ ભુવા, શિલ્પાબેન રાઠોડ, પાયલોટ સાજિદભાઇ તસવીરમાં નજરે પડે છે.
