~ DAમાં 4%નો વધારો
નવરાત્રીની સાથે હવે દિવાળીને પણ ગણતરીના દિવસ બાકી છે. આર્થિક કટોકટીમાં હવે સરકાર દિવાળી માટે કર્મચારીઓને ભેટ આપવાની શરૂ કરી છે. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વર્તમાન કર્મચારીઓની સાથે પેન્શનરોને પણ આ ડીએ વધારાનો ફાયદો મળશે.
ઘણા વર્ષોથી દર વર્ષે તહેવારો દરમિયાન મોંઘવારી ભથ્થામાં સુધારાની જાહેરાત કરવામાં આવે છે,જેથી તહેવારોની વચ્ચે સરકારી કર્મચારીઓને કેટલાક વધારાના પૈસા મળી શકે.
4 ટકાના વધારા મુજબ 7મા પગારપંચના આધારે પગાર મેળવનારા તમામ લોકોને 18,000 રૂપિયાના મૂળ પગાર પર DAમાં 720 રૂપિયાનો વધારો મળશે અને મૂળ પગાર 25,000 થવા પર દર મહિને 1,000 રૂપિયા થઇ જશે. તેવી જ રીતે, 50,000 બેઝિક પગાર મેળવનારાઓને દર મહિને 2,000 રૂપિયાનો લાભ મળશે અને જેઓનો મૂળ પગાર એટલે કે, 1,00,000 રૂપિયા મેળવે છે તેમને મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા પછી કુલ પગારમાં 4,000 રૂપિયાનો લાભ મળશે.
મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે રેલવે કર્મચારીઓના બોનસની પણ જાહેરત થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલ કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે.
આ સિવાય બુધવારે પ્રધાનમંત્રી ગ્રામીણ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) જેને ફ્રી રાશન યોજનાના નામે પણ ઓળખવામાં આવે છે,તેને પણ ત્રણ મહિના માટે લંબાવાઈ છે. કોરોના મહામારીના કપરાકાળમાં સમાજન બહોળા વર્ગ માટે શરૂ કરવામાં આવેલ આ ફ્રી રાશનની યોજના સપ્ટેમ્બરમાં સમાપ્ત થતી હતી જે હવે લંબાવીને ડિસેમ્બર સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
