~ 10 લાખ રળીયે લીધા
~ છેલ્લા પાંચ સાત વર્ષથી શ્રાદ્ધ પક્ષમાં જ માતાને મઢે પહોંચી શ્રાદ્ધ પક્ષમાં જ પરત ફરવાનું ચલણ વધ્યું
~ 23મી તારીખે શરૂ કરેલી ટ્રીપો 3જી અોકટોબર સુધી ચાલુ રહેશે
કચ્છ જિલ્લાની દેશ દેવી મા અાશાપુરાના બેસણા લખપત તાલુકાના માતાના મઢમાં છે, જેથી નવરાત્રિ દરમિયાન કચ્છીઅો ઉપરાંત જિલ્લા બહારથી પણ શ્રદ્ધાળુ પદયાત્રિકોનો પ્રવાહ માતાના મઢ તરફ વહી નીકળે છે. જેઅો દર્શન કર્યા બાદ વાહનો મારફતે પરત ફરતા હોય છે, જેથી અેસ.ટી. દ્વારા ખાસ બસો ફાળવવાનું આયોજન કરાય છે, જેમાં અા વખતે ચોવીસ કલાક દોડતી 200 બસો ફાળવાઈ છે. જે બસોઅે 3 દિવસમાં 200 ટ્રીપ કરીને 10 લાખ રૂપિયા રળી પણ લીધા છે !
અામ તો નવરાત્રિના પહેલા નોરતે માતાના મઢ પહોંચાય અે રીતે પદયાત્રા શરૂ કરવાની પરંપરા હતી, જેથી મોટાભાગના પદયાત્રિકો બારમે તેરમે શ્રાદ્ધે પદયાત્રાનો પ્રારંભ કરતા હતા. બહુ દૂરથી અાવવાના હોય તો દસમે અગિયારમે શ્રાદ્ધે નીકળતા હતા, જેથી પહેલા નોરતે માતાના મઢ પહોંચી શકાય. પરંતુ, છેલ્લા પાંચ સાત વર્ષથી શ્રાદ્ધ પક્ષમાં જ માતાને મઢે પહોંચી શ્રાદ્ધ પક્ષમાં જ પરત ફરવાનું ચલણ વધી ગયું છે, જેથી અેસ.ટી. વિભાગે 23મી સપ્ટેમ્બરે વિશેષ બસો ચલાવવાનું આયોજન ગોઠવી નાખ્યું હતું, જેમાં 200 બસો દિવસ રાત દોડાવવા ફાળવી દેવાઈ છે.
જે બસોઅે 25મી સપ્ટેમ્બરના બપોર સુધીમાં 200 ટ્રીપો કરી નાખી હતી અને અેસ.ટી. વિભાગને 10 લાખ રૂપિયા જેટલી રકમ રળી પણ અાપી હતી ! કચ્છના અેસ.ટી. વિભાગીય નિયામક વાય. કે. પટેલને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, 3જી અોકટોબર સુધી અેસ.ટી.ની બસો શ્રદ્ધાળુઅો માટે દોડશે. પ્રારંભના દિવસો દરમિયાન પદયાત્રિકો પરત અાવવા માટે અેસ.ટી.ની બસનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ શ્રદ્ધા પક્ષ સમાપ્ત થતા જ માતાના મઢ જવા અને પરત અાવવા માટે પણ સારો અેવો ધસારો રહેતો હોય છે.
