~ અલ્ઝાઇમર રોગ સ્વસ્થ શરીરને પણ પરાધિન કરી દે છે
~ ૨૧મી સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર ડે
વધતી જતી વય સાથે કેટલાક રોગ અને વિકારો દેખાવા લાગે છે. આવા રોગમાં સ્મૃતિદોષ અથવા અલ્ઝાઇમર એક મહત્વનો પરિબળ છે, જે જર્મન મગજ નિષ્ણાંત ડો. એલોઇઝ અલ્ઝાઇમર ના નામ પરથી રાખવામા આવ્યો છે, જેમાં એકાગ્રતા અને યાદદાસ્ત નબળી બની જાય છે એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના મેડિસિન વિભાગે ૨૧મી સપ્ટેમ્બરના રોજ મનાવાતા વિશ્વ અલ્ઝાઇમર ડે નિમિત્તે જણાવ્યુ હતું.
હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો. યેશા ચૌહાણે કહ્યું કે જી. કે. માં પણ આવા રોગ જોવા મળે છે. અલ્ઝાઇમર ગંભીર પ્રકારનો રોગ છે જે ધીમે ધીમે મગજને સંપૂર્ણ ઘેરી લે છે. નવાઈની વાત એ છે કે આ રોગથી કોઈ પીડા કે દર્દ નથી થતું પરંતુ આગાળ જતાં જીવન પરાધિન થઈ જાય છે, આમ તો ઉમર વધવાની સાથે રોગ શરૂ થાય છે. પરંતુ ૬૦ વર્ષથી વધુ વયની વ્યક્તિ આ રોગનો ભોગ બનતી જોવા મળે છે.
મગજને લોહીનો પુરવઠો પાડનારી રક્તવાહીનીઓ અને લોહીનું વહન કરનારી નસો કઠણ થઈ જવાથી અથવા તેમાં અવરોધ ઊભો થવાથી મગજને લોહીનો પુરવઠો ઓછો મળે છે, અને એ સાથે સ્મૃતિદોષ સાથે આ રોગના લક્ષણ જોવા મળે છે. ત્યારબાદ ક્રમશ: વ્યક્તિ શરીર અને વિવિધ પ્રક્રિયા ઉપર નિયંત્રણ ગુમાવે છે જે ક્યારેક એટલી હદે વધે છે કે રોગી, આપ્તજનોને પણ ઓળખતા નથી.
દર્દીના લક્ષણો, તેનો તબીબી ઇતિહાસ તેમજ ચેતાતંત્રનું ઊંડાણ પૂર્વક તપાસનું તારણ વિગેરે દ્વારા અલ્ઝાઇમર રોગનું નિદાન થાય છે. ઘણીવાર આવા લક્ષણો પેઢી દર પેઢી જોવા મળે છે. કેટલાક દર્દીઓનું નિદાન કમ્પ્યુટર ટોમોગ્રાફીથી કરી શકાય છે.
સાવચેતીના ભાગરૂપે માનસિક કસરત સતત કરતાં રહેવું અને નવું શિખતા રહેવાની ધગસથી આ રોગને ધીમો પાડી શકાય છે. રોજ નાની કસરત કરવી, લોકોને મળતા રહેવું અને હકારાત્મક અભિગમ જાળવી રાખવાથી સારા પરિણામો મળે છે. આવી પરિસ્થિતીમાં દર્દીને દવા સાથે કુટુંબીજનોનું સહકારભર્યું વલણ, પ્રેમ, તથા હુફ મળેતો ફાયદો થઈ શકે છે.
