~ NPSમાં કરેલા રોકાણના નાણાં ત્રણ જ દિવસમાં ઉપાડી શકાશે
~ એનપીએસની સ્કીમમાં કરેલા રોકાણના ત્રણ વર્ષ પૂરા થયા પછી રોકાણની કુલ રકમમાંથી ૨૫ ટકાનો ઉપાડ કરી શકશે
નેશનલ પેન્શન સ્કીમમાં કરેલા રોકાણના નાણાંના ટ્રાન્ઝેક્શન હવે પછી ત્રણ જ દિવસમાં કરી શકાય તેવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. હવે પછી ટ્રાન્ઝેક્શન માટે રજૂઆત કરવામાં આવે તેના બે જ દિવસની અંદર તે નાણાં અરજદારના ખાતામાં જમા મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નાણાં ઉપાડવા માટેની, સ્કીમમાંથી બહાર નીકળી જવાની કે પછી અન્ય કોઈપણ ટ્રાન્ઝેક્શન હવે પછી ત્રણ જ દિવસમાં થઈ શકશે. આ સાથે જ નેશનલ પેન્શન સ્કીમ હેઠળ કરવામાં આવનારા દરેક વહેવારો ઝડપી થઈ જશે.
નેશનલ પેન્શન સ્કીમમાંથી પૈસા ઉપાડવા માટેનું ફોર્મ ભર્યા પછી કામકાજના ચાર દિવસ બાદ તેમને તેમના ખાતામાં નાણાં જમા મળતા હતા. રજાના દિવસો તેમાં ગણવામાં આવતા નહોતા. તેથી વચ્ચે રજા આવી જાય તો પાંચથી સાત કે વધુ દિવસો પણ લાગી જતા હતા. આ માટે નોડલ ઓફિસમાં પેન્શન ફંડના ઇન્વેસ્ટરે ફોર્મ ભરીને આપવું પડતું હતું. ત્યારબાદ તે અન્ય અધિકારીઓ પાસે પહોંચતું હતું. છેવટે પાંચથી સાત દિવસમાં પૈસા મળતા હતા. તેને બદલે હવે નાણાંનો ઉપાડ કરવા માટેની અરજી કર્યાના બે જ દિવસ બાદ અરજદારને પૈસા મળી જવાની વ્યવસ્થા દાખલકરવામાં આવી છે. સવારે ૧૦.૩૦ કલાકે નાણાં ઉપાડવાની રજૂઆત કરી દેવાશે તો તેના પછીના ૪૮થી ૬૦ કલાકમાં પૈસા મળી જશે.
નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરનારનું મૃત્યુ થાય કે પછી તેની નિવૃત્તિ આવી જાય અથવા તો નિર્ધારિત મુદત કરતાં તેણે વહેલા નાણાં ઉપાડવાની જરૃર પડે, એનપીએસમાં તેણે કરેલા રોકાણની સ્કીમમાં ફેરફાર કરવો હોય, રિબેલેન્સિંગ કરવું હોય, તેના રોકાણના સેક્ટરમાં બદલવા હોય તો તેવા સંજોગોમાં સવારે ૧૦.૩૦ સુધીમાં અરજી કરી દેવાની રહેશે. આ કટ ઓફ ટાઈમ સવારે ૧૦.૩૦થી ૧૧.૦૦ કલાક સુધીનો રાખવામાં આવે તેવી સંભાવના છે.
નેશનલ પેન્શન સ્કીમમાંથી આંશિક ઉપાડ કરવો હોય તો તેવા સંજોગોમાં તેના એનપીએસમાં કરેલા રોકાણને ત્રણ વર્ષ પૂરા થયેલા હોવા જરૃરી છે. ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હોય તો જમા પડેલી રકમના ૨૫ ટકા નાણાંનો તે ઉપાડ કરી શકે છે. એનપીએસની કુલ મુદતના ગાળામાં આ રીતે ત્રણવાર ૨૫ ટકા રકમનો ઉપાડ કરવાની છૂટ મળશે. ૨૫ ટકાથી વધુ રકમનો સબસ્ક્રાઈબર ઉપાડ કરી શકશે નહિ. આંશિક ઉપાડના સમયગાળામાં તેમણે જમા કરાવેલી રકમના ૨૫ ટકા રકમનો જ ઉપાડ કરી શકશે.
એનપીએસના ખાતાધારકે કરેલા રોકાણના ઓપ્શન બદલવા માટે એટલે કે શેર્સમાંથી મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય રોકાણમાં નાણાં ટ્રાન્સફર કરવા માટેની તક પણ તેમને મળશે. એનપીએસના ખાતાધારકે ઓટો ચોઈસના વિકલ્પને પસંદ કર્યો હોય તો તેવા સંજોગોમાં તેની ઉંમરને ધ્યાનમાં રાખીને લાઈફ સાઈકલ ઇન્વેસ્ટમેન્ટ મેટ્રિક્સ પ્રમાણે તેમને રોકાણ બદલવાની છૂટ આપવામાં આવશે. સબસ્ક્રાઈબરના જન્મની તારીખના દિવસે આ ફેરફાર કરી શકાશે. આ વ્યવસ્થા હેઠળ નાણાંનો ઉપાડ કરીને તેને નવેસરથી રોકી પણ શકે છે.
પેન્શન રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી-પીએફઆરડીએ) જાહેર કર્યું છે કે સેન્ટ્રલ રૅકોર્ડિંગ ઓથોરીટી, પેન્શન ફંડ અને કસ્ટોડિયને સાથે મળીને નેશનલ પેન્શન સ્કીમના વહેવારો કરવાની સમગ્ર સિસ્ટમને ઝડપી બનાવી છે. આ માટે તેમણે તેમની ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની સિસ્ટમમાં પણ સુધારો કર્યો છે.
