જી. કે. જનરલ અદાણી હોસ્પિટલ દ્વારા સી.એચ.સી.માં યોજાયેલા આરોગ્ય કેમ્પમાં ડાયટેશિયન દ્વારા બહેનોને વન ટુ વન માર્ગદર્શન અપાયું

~ લખપત તાલુકાની ગર્ભવતી અને દૂધપાન કરાવતી માતાઓ વ્યક્તિગત પરામર્શથી પોષણ અંગે જાગૃત બની

~ ૧૯૭ દર્દીઓને અપાઈ સારવાર

લખપત તાલુકાની ગર્ભવતી અને દૂધપાન કરાવતી માતાઓ પોતાના પોષક આહાર અંગેની વિગતો કાર્યક્રમ દ્વારા જાહેરમાં ન કહી શકે અને જોઈતી જાણકારીથી વંચિત રહી ન જાય એ માટે દયાપર ખાતે જી. કે. જનરલ અદાણી હોસ્પિટલ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માતાઓ અને બહેનો માટે આયોજીત પોષણ અંગેના માર્ગદર્શન કેમ્પમાં ઉપસ્થિત તમામ બહેનોને એક સાથે નહીં પણ વ્યક્તિગત રીતે તેમના પ્રશ્નો જાણી તેમનામાં પોષણ અંગે આત્મવિશ્વાસ અને જાગૃતિનો સંચાર કર્યો હતો.

જી. કે. જનરલ હોસ્પિટલ, જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા દયાપર સી.એચ.સી. માં પ્રતિ શુક્રવારે યોજાતા મેડિકલ કેમ્પમાં મહિલાઓ માટે પોષક આહાર અંગે યોજાયેલા માર્ગદર્શન કેમ્પમાં જી. કે. ના ડાયટેશિયન અનિલાબેન પરમાર અને પૃથ્વીબેન લાખનાનીએ સમૂહમાં જાણકારી આપવાને બદલે પરિસ્થિતીને અનુકૂળ બની દરેકને વન ટુ વન મળી વ્યક્તિગત સમસ્યાનું સમાધાન કર્યું હતું. આમા ૫૦ બહેનોને જાણકારી આપવામાં આવી હતી.

જી. કે. જનરલના આહાર નિષ્ણાંતે કહ્યું કે જાહેર કાર્યક્રમને બદલે જો વન ટુ વન મળીને જો સમસ્યા ઉકેલી શકવામાં આવે તો બહેનોમાં આત્મવિશ્વાસ અને જાગૃતિ ઉત્પન થાય છે. તેમણે  પરિસ્થિતી મુજબ કેવા પ્રકારનું ભોજન લઈ શકાય જેથી જોઈતા પોષકતત્વો માતા અને બાળકને પુરતા પ્રમાણમાં મળી શકે.

આ પ્રસંગે યોજાયેલા મેડિકલ કેમ્પમાં કુલ ૧૯૭ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી જેમાં સ્ત્રીરોગ વિભાગના ૫૫, બાળરોગ વિભાગના ૪૧, મેડિસિન અંતર્ગત ૬૧, અને ૪૦ જરૂરિયાતમંદ દર્દીઓની સોનોગ્રાફી તથા ઈસીજી  કરવામાં આવી હતી.સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. નીલિમા પટેલ, બાળરોગના ડો. ખુશાલી ધમાણી, મેડિસિનના ડો. જીતેશ ગોહિલ, રેડીઓલોજિસ્ટ ડો. સંદીપ વોરાએ સારવાર આપી હતી. દયાપર સી.એચ.સી. ના મેડિકલ ઓફિસર ડો. આર.ઑ. લોદ્રાએ અને સમગ્ર ટીમે સહકાર આપ્યો હતો.      

Leave a comment