સપ્ટેમ્બર 2022નો મહિનો જાણે નિવૃતિનો મહિનો છે. ભારતીય અને વિશ્વ ક્રિકેટ જગતમાંથી રાજીનામાની સાથે ટેનિસ કોર્ટને સેરેના વિલિયમ્સે પણ અલવિદા કહ્યું છે. આ યાદીમાં ગુરૂવારે વધુ એક નામ જોડાયું છે. ઓસ્ટ્રેલિયન, ફેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને અમેરિકન ઓપન-એમ વિશ્વની ચારે અગ્રણી ટેનિસ સ્પર્ધાઓમાં વિજેતા બનીને વીસ જેટલાં ગ્રાન્ડ સ્લામ સિન્ગલ્સ ટાયટલના વિજેતા બનેલ રોજર ફેડરરે આજે ટેનિસની દુનિયાને અલવિદા કરવાની જાહેરાત કરી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં જન્મેલો આ ખેલાડીએ ટેનિસની રમતને એક નવી ઓળખ આપી છે.
માત્ર ટેનિસ નહિ પરંતુ ઉમદા ભગીરથ કાર્યોને કારણે પણ નામના મેળવનાર ફેડરરે આજે 15મી સપ્ટેમ્બર, 2022ના રોજ ટેનિસ કોર્ટમાંથી બહાર જવાનો નિર્ધાર કર્યો છે.
ટેનિસ દિગ્ગજે રિટાયરમેન્ટ અંગેની ટ્વિટમાં જણાવ્યું કે આપ સૌને ખબર છે કે છેલ્લા 3 વર્ષ અનેક કારણોસર મારા માટે મુશ્કેલીભર્યા રહ્યાં છે. આ સમયગાળામાં અનેક ઈન્જરી(ઈજા) અને સર્જરી(ઉપચાર)માંથી પસાર થવું પડ્યું છે. મેં ફરી ટેનિસ કોર્ટમાં પહોંચવા અથાગ પરિશ્રમ કર્યો છે પરંતુ હું પણ મારી બોડીની ક્ષમતા અને મર્યાદા વિશે જાણું છું. મારૂં શરીર હવે જવાબ આપી રહ્યું છે. મોડું થઈ ગયું છે હવે. હું 41 વર્ષનો થયો છું.
