~ ૧લી ઓક્ટોબરથી ઇ-ઇન્વોઇસિંગના નવા નિયમો અમલમાં મુૂકાશે
~ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના છીંડાંઓ પૂરીને આવક વધારવા માટે સરકારને નવતર વ્યવસ્થા દાખલ કરી
વાર્ષિક રૂ. ૧૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે પહેલી ઓક્ટોબર ૨૦૨૨થી ઇ-ઇન્વોઇસિંગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થા હેઠળ ઇ-ઇન્વોઇસ જ બનાવવું પડશે. બીજા શબ્દોમાં કહીએ તો જીએસટીની ઓનલાઈન સિસ્ટમમાં જ જઈને તેમણે તેમના દરેક વેપાર વહેવારના બિલ બનાવવા પડશે.
અત્યારે પ્રવર્તતી વ્યવસ્થા હેઠળ વાર્ષિક રૃા. ૨૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનારાઓ માટે ઇ-ઇન્વોઇસ બનાવવું ફરજિયાત કરાયું છે. આ મર્યાદા હવે ઘટાડીને ૧૦ કરોડની કરી દેવામાં આવી છે. આગામી થોડા મહિનાઓ બાદ કે આગામી બજેટ પછી વાર્ષિક ટર્નઓવરની આ મર્યાદા ઘટીને રૃા. ૫ કરોડની કરી દેવામાં આવે તેવી સંભાવના રહેલી છે. વેપારીઓ દ્વારા વેરાની કરવામાં આવી રહેલી ચોરીને રોકડવા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ દ્વારા ઇ-ઇન્વોઈસિંગ બનાવવું ફરજિયાત કરામાં આવ્યું છે. તેનાથી સરકારની જીએસટીની આવક વધશે તેવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિયારેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ-સીબીઆઈસીએ આ અંગેનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે.
જીએસટીના નિષ્ણાતોનું કહેવું છે કે આ વ્યવસ્થાને કારણે જીએસટીની ચોરી અટકશે. ઇ-ઇન્વોઇસ બનાવવામાં આવ્યા પછી તેને જીએસટીના પોર્ટલ પર અપલોડ કરવું ફરજિયાત છે. આ ઇન્વોઈસ અપલોડ થાય એટલે તેનો ક્યૂઆર કોડ જનરેટ થાય છે. તેનો જીએસટી પોર્ટલ પરનો ઇન્વોઈસ નંબર બની જાય છે. આ ઇન્વોઈસ સિરિયલ નંબર પ્રમાણે જ અપલોડ થાય છે. તે નંબર પ્રમાણે જ તેની ટેક્સ ક્રેડિટ તેની પાસેથી માલ ખરીદનારને મળે છે. અપલોડ ન કરવામાં આવેલા ઇન્વોઇસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકતી નથી. પરિણામે જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા ઇચ્છનારા માટે ઇ-ઇન્વોઈસ અનિવાર્ય છે. સમય જતાં આ વ્યવસ્થા તમામને માટે લાગુ કરી દેવામાં આવશે.
ઓગસ્ટ મહિના દરમિયાન જીએસટીની આવક રૃા. ૧.૪૪ લાખ કરોડની થઈ છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિને તહેવારોનો હોવાથી આ બંને મહિના દરમિયાન જીએસટીની આવક રૂ. ૧.૫૦થી ૧.૭૦ લાખ કરોડ સુધી પહોંચી જાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
