જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં આધાશીશી રોગમાં મેડિસિન અને મનોચિકિત્સા વિભાગ દ્વારા અપાતી સારવાર

~ માઈગ્રેન જાગૃતિ વીક: ૫ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર

~ માઈગ્રેનને સ્વાસ્થ્ય જીવનશૈલીથી અટકાવી શકાય

અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં માઈગ્રેન (આધાશીશી) ની સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું, 5મી સપ્ટેમ્બર થી ૧૪મી સપ્ટેમ્બર સુધી ઉજવાતા માઈગ્રેન જનજાગૃતિ સપ્તાહ નિમિત્તે મનોચિકિત્સા અને મેડિસિન વિભાગના તબીબોએ જણાવ્યુ હતું.

હોસ્પિટલના મનોચિકિત્સક ડો. મહેશ તિલવાણી અને મેડિસિન વિભાગના ડો. યેશા ચૌહાણે માઈગ્રેન સામે જાગૃતિ લાવવા અંગે કહ્યું કે મોટાભાગે માથાના એક ભાગમાં મધ્યમથી તીવ્ર દુખાવો થાય એ પહેલા ઉલ્ટી, ચક્કર, ક્યારેક ફિટ-વાઈ જેવી અસર થાય, વધુ અવાજ, તીવ્ર રોશની(ફોટો અને ફોનોફોબિયા) ની અસર બાદ માથાનો દુખાવો ચાલુ થાય જે બે થી ચાર ક્લાક ચાલુ રહે અને ત્રણ –ચાર દિવસે આવું થાય તો માઈગ્રેન હોઈ શકે ત્યારે તાત્કાલિક તબીબોની સલાહ લેવી આવશ્યક છે.

તેમના જણાવ્યા અનુસાર ઉપરોક્ત અવસ્થાના કારણે મગજ વધુ લાગણીશીલ બની જાય(સેંસેટિવ) અને તેમાં અલ્પકાલિન પરીવર્તન આવે ત્યારે આમ થાય છે અને તેનું સ્પસ્ટ કારણ અને નિદાન થયા બાદ જ ઉપચાર કરી શકાય. એજ પ્રમાણે ભાવનાત્મક લાગણીના વધારાના કારણે અને માનસિક તણાવને કારણે આવું થઈ શકે, જોકે તણાવથી થતાં માથાના દુખાવા એ તમામ બાબતમાં આધાશીશી ના પણ હોય, જે નિદાન બાદ જ ખ્યાલ આવે છે.      

આમ તો થકાવટ, તણાવ, આહાર-વિહાર જેમ કે ચીઝ, આથા વાળો ખોરાક, પીઝા વગેરે ખાવાથી તેમજ અંધારામાં મોબાઈલ જોવું, ઊંઘ આવે પણ ઊંઘી ન શકાય એવી પરિસ્થિતીનું નિર્માણ થાય ત્યારે આધાશીશી હોઈ શકે એમ મનોચિકિત્સક ડો. ચિરાગ કુંડલિયા અને ડો. રિદ્ધિ ઠક્કરે જણાવ્યુ હતું. અટકાયતી પગલાં વિષે તબીબોએ કહ્યું કે નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ, જરૂરી પાણી પીવું, કેફિન અને શરાબથી દૂર રહેવું તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં આવે તો માઈગ્રેનને આવતું અટકાવી શકાય. માઈગ્રેન જેવી પરિસ્થિતિમાં તબીબનો સંપર્ક કરી ઉપચાર શરૂ કરવો જોઈએ અને સારવારમાં સમય લાગે તો ધીરજ રખાય તો સ્થિતિ પૂર્વવત થઈ જાય છે. 

Leave a comment