~ જિલ્લામાં 3 સ્કોર્પિયો ફાળવાઈ : પખવાડિયામાં 18 મેમો ઇશ્યુ કરાયા
શહેરોમાં અને નેશનલ હાઇવે પર પુરઝડપે દોડતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસને ઇન્ટરસેપ્ટર વાહન ફાળવવામાં આવ્યા છે ત્યારે આવા જ વાહનો આરટીઓ કચેરીને પણ આપવામાં આવ્યા છે જેથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને ઓવરસ્પીડમાં ગાડી હંકારતા 18 વાહનચાલકોને મેમો અપાયા છે.
હાઇવે રોડ પર વાહન ચાલકો માતેલા સાંઢની જેમ વાહન હંકારતા હોય છે.જેથી અકસ્માતના બનાવો વધી ગયા છે. શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા પોલીસ ઓવર સ્પીડ સહિતના વાહન ચાલકોને મેમા ફટકારે છે.ટ્રાફિક પોલીસની ઇન્ટરસેપ્ટર ઇનોવા કાર દ્વારા પણ ઓવરસ્પિડમાં જતા વાહન ચાલકોને મેમા ફટકારવામાં આવે છે. તેવા સમયે હવે આરટીઓની ટીમ પણ ઓવરસ્પિડમાં વાહન હંકારતા વાહન ચાલકોને મેમા આપી રહી છે.
ભુજ આરટીઓ અધિકારી સી.ડી.પટેલે જણાવ્યું કે,કચ્છમાં શેખપીર ચેકપોસ્ટ,મુન્દ્રા અને કંડલા ખાતે વાહનની ફાળવણી કરવામાં આવી છે.વીતેલા 15 દિવસોમાં ટીમ દ્વારા કુલ 18 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં વધારે કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં માતેલા સાંઢની માફક દોડતા વાહનોના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાય છે ત્યારે હવે વાહનોની રફતાર ધીમી કરવા આરટીઓ મેદાને છે.
કંડલામાં અપાયેલી ગાડી તકનીકી ખામીથી બંધ
સૂત્રોએ જણાવ્યું કે,કંડલામાં જે ગાડી ફાળવવામાં આવી છે તે તકનિકી ખામીથી બંધ છે જેથી તેમાં મેમો ઇશ્યુ થતા નથી.ખરેખર આ વિસ્તારમાં પોર્ટના કારણે યાતાયાત વધુ છે જેથી અહીં વધુ જરૂરિયાત છે.
જાણો કેટલો હોય છે દંડ
દ્વિચક્રી વાહનો માટે રૂ.1500,ફોર વહીલર માટે 2 હજાર અને ભારે વાહનો જો ઓવરસ્પીડમાં હોય તો 4 હજારના દંડની જોગવાઈ છે.
