~ ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજા
~ પીએમ મોદીએ ફ્લેક્સિબલ વર્ક પ્લેસ, વર્કિંગ અવરને ભવિષ્યની જરૂરિયાત ગણાવ્યા હતા
~ નવો લેબર કોડ લાગુ થતાં મહિલા-પુરુષોને સમાન વેતન, દિવસમાં ૧૨ કલાક, સપ્તાહમાં કુલ ૪૮ કલાક કામ, ટેક-હોમ પગાર ઘટશે
સપ્તાહમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાની ફોર્મ્યુલા પર આખી દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. એવામાં આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે પણ નવા લેબલ કોડ મારફત આ ફોર્મ્યુલા ભારતમાં લાગુ કરવા માટે કમર કસી છે. કેન્દ્ર સરકારે નવો લેબર કોડ તૈયાર કરી લીધો છે. નવો લેબર કોડમાં કેન્દ્ર સરકાર દ્વારા સપ્તાહમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાથી લઈને મહિલા-પુરુષોને સમાન વેતન તેમજ નોકરિયાત લોકો માટે પગારમાં ફેરફાર સહિતની બાબતોનો સમાવેશ કરાયો છે.
બ્રિટનમાં જૂન ૨૦૨૨માં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાના કન્સેપ્ટનો પાઈલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે. આ કન્સેપ્ટ કેનેડા, અમેરિકા સહિત યુરોપના અનેક દેશોમાં પણ શરૂ થવાનો છે. આવા સમયમાં ભારતમાં કેન્દ્ર સરકારે પણ નોકરિયાત લોકો માટે નવો લેબર કોડ તૈયાર કરી લીધો છે, પરંતુ હજુ તે લાગુ કરાયો નથી. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે બધા જ રાજ્યો એક સાથે નવો લેબર કોડ લાગુ કરે. કર્મચારીઓના અંગત જીવન અને કામ વચ્ચે સંતુલન માટે નવા લેબર કોડ લાવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કહ્યું હતું કે ફ્લેક્સિબલ વર્ક પ્લેસીસ અને ફ્લેકિસબલ વર્કિંગ અવર ભવિષ્યની જરૂરતો છે. આમ, નવો લેબર કોડ લાગુ થતાં કંપનીઓએ તેમની વર્કિંગ સ્ટ્રેટેજી પણ બદલવી પડી શકે છે. નવા લેબર કોડથી સાપ્તાહિક રજાથઈ લઈને નોકરિયાતોના પગાર સહિતની બાબતોમાં પરિવર્તન આવશે. નવો લેબર કોડ મુખ્ય ચાર પાસા પગાર-ભથ્થાં, સોશિયલ સિક્યોરિટી, ઈન્ડસ્ટ્રિયલ રિલેસન્સ અને ઓક્યુપેશનલ સેફ્ટી સાથે સંબંધિત છે.
નવો લેબર કોડ લાગુ થયા પછી સૌથી મોટો ફેરફાર સપ્તાહમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાનો છે. જોકે, ચાર દિવસમાં કામના કલાકોમાં વધારો કરાશે. કામના દિવસોમાં ઓફિસમાં ૧૨ કલાક કામ કરવાનું રહેશે. કર્મચારીએ સપ્તાહમાં કુલ ૪૮ કલાક કામ કરવાનું રહેશે. ત્યાર પછી ત્રણ દિવસની રજા મળશે. ઓફિસોમાં રજાઓ અંગે પણ મોટો ફેરફાર થશે. પહેલા કોઈપણ કંપનીમાં લાંબી રજા માટે વર્ષમાં ઓછામાં ઓછા ૨૪૦ દિવસ કામ કરવું જરૂરી હતું. પરંતુ નવા લેબર કોડ હેઠળ તમારે ૧૮૦ દિવસ કામ કરવું જરૂરી રહેશે. એટલે કે છ મહિના કામ કર્યા પછી કર્મચારી લાંબી રજા મેળવી શકશે.
નવો વેજ કોડ લાગુ થયા પછી ટેક હોમ સેલરી એટલે કે કર્મચારીના ખાતામાં જમા થતો પગાર ઘટી જશે. નવા નિયમની જોગવાઈ મુજબ કોઈપણ કર્મચારીનો બેસિક પગાર તેના કુલ પગારના ૫૦ ટકા અથવા તેનાથી વધુ હોવો જોઈએ. જો કર્મચારીનો બેસિક પગાર વધુ હશે તો પીએફ કન્ટ્રીબ્યુશન વધી જશે. સરકારની આ જોગવાઈથી નિવૃત્તિ સમયે કર્મચારીઓને મોટી રકમ મળશે. સાથે જ તેમને મળતી ગ્રેજ્યુઈટીની રકમ પણ વધી જશે. તેનાથી નિવૃત્તિ પછી ખાનગી કર્મચારીઓ આર્થિકરૂપે વધુ મજબૂત બનશે.
કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે તાજેતરમાં જ કહ્યું હતું કે, અમે જૂના કાયદાઓને યુક્તિસંગત બનાવ્યા છે અને પુરુષો તથા મહિલાઓ બંને માટે સમાન વેતન નિશ્ચિત કરવા માટે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ વેજ સ્ટાન્ડર્ડ પર વિચાર કરાશે. તેમણે કહ્યું કે ૨૯ વિવિધ કાયદાઓને ચાર નવા લેબર કોડમાં બદલવામાં આવશે.
