લંડનમાં જન્મેલા ભારતીય મૂળના સમકાલીન અને આધુનિક કલાકાર ભારતી ખેરના એક આર્ટપીસને ન્યૂયોર્કના પ્રખ્યાત સેન્ટ્રલ પાર્કમાં વિશેષ સ્થાન મળ્યું છે. સેન્ટ્રલ પાર્કના દક્ષિણ-પૂર્વીય પ્રવેશદ્વાર ખાતે નવી દિલ્હી અને લંડન સ્થિત કલાકાર ભારતી ખેર દ્વારા બનાવવામાં આવેલા 18 ફૂટ લાંબા કાંસાના શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું છે.
ગત તા. 8 સપ્ટેમ્બરના રોજ ભારતી ખેર દ્વારા નિર્મિત શિલ્પનું સેન્ટ્રલ પાર્ક ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું અને મુલાકાતીઓ 2023ના ઓગષ્ટ મહિના સુધી આ ‘એનસેસ્ટર’ (Ancestor) એટલે કે, ‘પૂર્વજો’ એવું નામ ધરાવતા કલાના આ શાનદાર નમૂનાનું રસપાન કરી શકશે.
પબ્લિક આર્ટ ફંડના સહાયક ક્યુરેટર ડેનિયલ એસ. પામરે જણાવ્યું કે, ‘ભારતી ખેરનું નવું પ્રભાવશાળી શિલ્પ, ‘પૂર્વજ’ 21મી સદીમાં આપણને જે પ્રકારનું સ્મારક જોઈએ છે તે જ છે. તે વર્ણસંકરતા અને વૈશ્વિક ઓળખની ઊંડી વ્યક્તિગત અભિવ્યક્તિ છે જે આપણા પૂર્વજોના સન્માન અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવાના મહત્વ વિશેના સંવાદને આમંત્રણ આપે છે.’
Ancestor – પૌરાણિક માતા
આપણા સાંસ્કૃતિક અને વ્યક્તિગત ભૂતકાળ અને ભવિષ્યને જોડતી સાર્વત્રિક પૌરાણિક માતાની આકૃતિનું નિરૂપણ, ‘પૂર્વજ’ એ ભારતી ખેરનું અત્યાર સુધીનું સૌથી મહત્ત્વાકાંક્ષી કાર્ય છે. આ શિલ્પમાં કલાકારે મનુષ્યો, પ્રાણીઓ અને પૌરાણિક જીવોની નાની, તૂટેલી માટીની મૂર્તિઓને ફરીથી વર્ણસંકર આકૃતિઓમાં જોડી છે જે કોઈ નિશ્ચિત ઓળખથી અલગ છે.
‘પૂર્વજ’ નિશ્ચિતપણે સ્ત્રીની આકૃતિ છે. જેમાં તેના શરીરમાંથી નીકળતા 23 બાળકોના માથા બહુસાંસ્કતિકવાદ, અનેકવાદના પ્રતીક સમાન છે. જે સંબંધોની લાગણી પ્રગટ કરે છે અને માતાને શાણપણના રક્ષક તથા સર્જન અને આશ્રયના શાશ્વત સ્ત્રોત તરીકે ઉજવે છે.
